06 November, 2025 08:04 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
આદમખોર બનેલ દીપડો
પુણે જિલ્લામાં આદમખોર બનેલા દીપડાઓને શોધવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. આ સર્ચ-ઑપરેશન દરમ્યાન શાર્પશૂટર્સની એક ટીમે આક્રમક બનેલા એક દીપડાને મારી નાખ્યો છે.
જુન્નર વનવિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મંગળવારે રાત્રે ટીમને ૪૦૦થી ૫૦૦ મીટર દૂર એક દીપડો જોવા મળ્યો હતો. શાર્પશૂટર્સની ટીમે દીપડાને બેભાન કરવા માટે તીર ચલાવ્યું, પરંતુ એ સફળ ન રહ્યું. ત્યાર બાદ દીપડો આક્રમક બન્યો અને હુમલો કરવા માટે તેમની નજીક આવી રહ્યો હતો ત્યારે શૂટરોએ રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે ગોળીબાર કર્યો હતો જેમાં દીપડાએ જીવ ગુમાવ્યો હતો. મરનાર દીપડો પાંચથી ૬ વર્ષની ઉંમરનો હતો. પિંપરખેડના ગ્રામજનોને દીપડાનો મૃતદેહ બતાવ્યા બાદ એને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.’
છેલ્લા એક મહિનામાં જિલ્લાના શિરુર તાલુકાના પિંપરખેડ વિસ્તારમાં દીપડાના હુમલામાં બે ટીનેજર અને એક વૃદ્ધ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ જુન્નર, શિરુર, આંબેગાંવ અને ખેડ તાલુકાઓમાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ વિસ્તારોમાંથી દીપડા પકડવા માટે શાર્પશૂટરોની ટીમ કાર્યરત થઈ છે. આ ઑપરેશનમાં મંગળવારે એક નર દીપડો પાંજરામાં પુરાયો હતો.