04 November, 2025 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
માનસિક રીતે બીમાર પતિનો ઇલાજ કરવા સોશ્યલ મીડિયા પર બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સંપર્ક કરવા જતાં વિલે પાર્લે-ઈસ્ટના આઝાદ રોડ પરની એક સોસાયટીમાં રહેતાં ૭૭ વર્ષનાં ગુજરાતી મહિલાએ સાઇબર છેતરપિંડીમાં ૩,૫૫,૦૦૦ રૂપિયા ગુમાવી દીધા હતા. આ મામલે વિલે પાર્લે પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સાઇબર ગઠિયાઓએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બાગેશ્વર ધામ સરકાર તરીકે જાણીતા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો અવાજ કાઢીને મહિલા સાથે વાત કરી હતી. દરમ્યાન પૂજા કરવાનું કહીને ૧૬ સપ્ટેમ્બરથી ૨૫ ઑક્ટોબર દરમ્યાન વિવિધ પૂજાના નામે પૈસા પડાવી લેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી હતી.
શું હતો ઘટનાક્રમ?
વિલે પાર્લે-ઈસ્ટના આઝાદ રોડ પરની એક સોસાયટીમાં રહેતાં ૭૭ વર્ષનાં ગુજરાતી મહિલાનાં ૮૨ વર્ષના પતિને માનસિક બીમારી હોવાથી તેમને છેલ્લાં પાંચ વર્ષથી પૅનિક અટૅક સતત આવતા હતા છે જેના માટે તેમનો હૉસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. જોકે કોઈ સુધારો જોવા મળ્યો નહોતો.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં મહિલાએ યુટ્યુબ પર વિડિયો જોયો હતો, જેમાં બાગેશ્વર ધામમાં કેટલાક દરદીઓ ઠીક થયા હોવાનો દાવો કરવામાં આવતાં મહિલાએ તેના પતિનો ઇલાજ કરવા ૧૫ સપ્ટેમ્બરે ગૂગલ પર બાગેશ્વર ધામ વિશે માહિતી શોધી હતી.
ગૂગલ-સર્ચ દરમ્યાન સામે આવેલી વેબસાઇટ પર તમામ માહિતી ભર્યા બાદ આશિષ શર્મા નામના એક યુવાને મહિલાને ફોન કરીને શું પરેશાની છે એમ જાણીને આગળ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે વાત કરાવું છું એમ કહ્યું હતું.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ મહિલા સાથે પતિની બીમારી અંગે વિસ્તારપૂર્વક વાત કર્યા બાદ તેમનો ઇલાજ કરવા માટે પૂજા કરવી પડશે એમ કહીને શરૂઆતમાં ૧.૫૦ લાખ રૂપિયાની માગણી કરી હતી, જે મુજબ મહિલાએ ૧.૫૦ લાખ રૂપિયા પૂજા માટે મોકલી આપ્યા હતા.
૧૮ સપ્ટેમ્બરે એક પૂજા પૂરી થયા બાદ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નામે ઓળખ આપનાર વ્યક્તિએ ૨૫ ઑક્ટોબરે વિવિધ પૂજાના નામે ૨.૦૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા.
વિવિધ પૂજા બાદ પણ પતિમાં સુધારો ન થતાં મહિલાએ તેની પુત્રીને આ ઘટનાની જાણ કરી ત્યારે છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અંતે સાઇબર હેલ્પલાઇન પર ફોન કર્યા બાદ આ ઘટનાની ગુરુવારે વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
પોલીસ દ્વારા આ ઘટનાની પ્રાથમિક તપાસ કરવામાં આવતાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો અવાજ AIની મદદથી કાઢવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી.