22 June, 2025 07:05 AM IST | Mumbai | Jiten Gandhi, Shruti Gor
ગઈ કાલે વિલે પાર્લેની એમ. પી. હાઈ સ્કૂલના હૉલમાં દિલીપ અને મીના પટેલને અંજલિ આપવા ભેગા થયેલા સ્કૂલ સમયના મિત્રો (તસવીરો : જિતેન ગાંધી)
૫૦ વર્ષથી પણ જૂની મિત્રતા અને આત્મીયતા ધરાવતા વિલે પાર્લેની એમ. પી. શાહ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અમદાવાદ પ્લેન-ક્રૅશના ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનારા તેમના બે મિત્રોને ગઈ કાલે સ્મરણાંજલિ આપી હતી. પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારાં અમદાવાદની રાજપથ ક્લબના પ્રેસિડન્ટ દિલીપ પટેલ અને તેમનાં પત્ની મીના પટેલનું બાળપણ મુંબઈના વિલે પાર્લેમાં જ વીત્યું હતું. બન્ને એમ. પી. શાહ હાઈ સ્કૂલમાં ભણ્યાં અને એન. એમ. કૉલેજમાં પણ સાથે જ હતાં. લગ્ન બાદ તેઓ અમદાવાદ સેટલ થયાં હતાં, પરંતુ મુંબઈ અને મુંબઈના મિત્રો સાથે અતૂટ સંબંધ જાળવી રાખ્યો હતો. ગઈ કાલે ભજન અને પ્રાર્થના કરવાની સાથે આટલાં વર્ષોની મિત્રતાના અનુભવો વાગોળીને બન્નેને અનોખી રીતે સ્મરણાંજલિ આપવાનો કાર્યક્રમ સ્કૂલમાં જ રાખવામાં આવ્યો હતો.
મીના પટેલનાં સ્કૂલનાં મિત્ર સ્મૃતિ દલાલે ‘મિડ-ડે’ને તેમની લાગણી રજૂ કરતાં કહ્યું હતું કે ‘દિલીપભાઈ અને મીનાના સમાચાર સાંભળ્યા ત્યારથી જ જાણે મન પર એક પ્રકારનો ભાર લાગતો હતો. શુક્રવારે અમે બધાએ મળીને તેમની શાંતિ માટે પ્રાર્થના કરી, ભજનો કર્યાં અને તેમની સાથેની જૂની યાદો વાગોળી. તેઓ હજી પણ સાથે જ હોય એવું અનુભવાયું અને હવે હળવા થવાયું.’
૬૯ વર્ષના દિલીપ પટેલ અને મીનાબહેનનો ઉછેર વિલે પાર્લેમાં થયો હતો. વિલે પાર્લે-વેસ્ટમાં આવેલી એમ. પી. શાહ સ્કૂલમાં તેઓ સાથે ભણતાં હતાં. મીનાબહેન કરતાં દિલીપભાઈ બે વર્ષ આગળ ભણતા હતા. સ્કૂલ પૂરી થયા બાદ એન. એમ. કૉલેજમાંથી બન્નેએ કૉમર્સમાં ગ્રૅજ્યુએશન કર્યું હતું. લગ્ન બાદ તેઓ અમદાવાદ શિફ્ટ થયાં હતાં. તેમની દીકરીના નામથી શરૂ કરેલી અમિષી ડ્રગ્સ ઍન્ડ કેમિકલ કંપનીને પણ તેમણે અમદાવાદમાં જ આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. તેમના પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે.
મીનાબહેનનો પરિવાર મુંબઈમાં હોવાને લીધે આ દંપતી અવારનવાર મુંબઈની મુલાકાત લેતું ત્યારે અચૂક તેમના મિત્રોને મળવાનું બનતું હતું. સ્મૃતિબહેને જણાવ્યું હતું કે ‘ગઈ સાલ જ મીના મુંબઈ આવી ત્યારે કહ્યું કે આપણે બધા જ સ્કૂલના મિત્રો ભેગા મળીએ. તેના પ્લાન મુજબ અમે એક મિત્રના ઘરે મળ્યા હતા. ત્યારે ખૂબ ગીતો ગાયાં હતાં, વાતો કરી હતી અને ખૂબ મજા કરી હતી. દિલીપભાઈ ખૂબ જ તોફાની હતા. જ્યારે મળે ત્યારે જેમ સ્કૂલમાં મળતા હોય એમ પીઠ પર ધબ્બો મારીને વાત કરે. હું મજાકમાં તેમને કહેતી પણ ખરી કે હવે તો હું દાદી બની ગઈ, પણ અમારી મિત્રતા હજી પણ સ્કૂલનાં બાળકો જેવી જ હતી.’
૧૨ જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં દિલીપભાઈ તેમનાં બહેન-બનેવી સાથે લંડન જતા હતા. ત્યાંથી તેમની દીકરીને મળવા કૅનેડા જવાનો પ્લાન હતો. પ્લેન-ક્રૅશના સમાચાર મળ્યા બાદ દિલીપભાઈ અને મીનાબહેન બન્નેના બૅચના મિત્રોએ તેમને મુંબઈમાં સ્મરણાંજલિ આપવાનું વિચાર્યું હતું. ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા ભગિની સેવા મંદિર દ્વારા સંચાલિત એમ. પી. શાહ સ્કૂલની કેળવણીને કારણે દરેક વિદ્યાર્થી વચ્ચે આજે પણ આત્મીય સંબંધ છે એવું જણાવતાં સંસ્થાના ટ્રસ્ટી અને દિલીપભાઈના મિત્ર નૈનેશ દલાલે કહ્યું હતું કે ‘અમે અમારા બન્ને મિત્રોને આ સંસ્થામાં જ સ્મરણાંજલિ આપવાનો નિર્ણય લીધો હતો. એમાં બન્ને બૅચના અમારા મિત્રો હાજર રહ્યા હતા. દિલીપભાઈને ક્રિકેટનો ભારે શોખ હતો. તેમની સિક્સરો ખૂબ ફેમસ હતી. મુંબઈ આવે અને વાનખેડેમાં મૅચ હોય તો તે જોવા ઊપડી જતા.’
આવા અનેક કિસ્સાઓ શૅર કરીને મિત્રોએ જીવ ગુમાવનારા દંપતીને યાદ કર્યું હતું.