10 September, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝ્યુરિક ઍરપોર્ટ પર ફસાયેલા પૅસેન્જરો.
મુંબઈથી લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI131માં સવાર ૨૯૦ પૅસેન્જરો સ્વિટ્ઝરલૅન્ડના ઝ્યુરિક ઍરપોર્ટ પર ફસાઈ ગયા હતા. બ્રિટનના ઍર ટ્રાફિક કન્ટ્રોલમાં ખામી સર્જાતાં ફ્લાઇટને ઝ્યુરિક ડાઇવર્ટ કરવામાં આવી હતી. આ ખામીને કારણે મંગળવારે ૧૦૦૦ જેટલી ફ્લાઇટને અસર થઈ હતી. ફસાયેલા પૅસેન્જરોમાં બાળકો અને સિનિયર સિટિઝનો પણ હતાં અને ઝ્યુરિક ઍરપોર્ટ પર પૅસેન્જરોની લાંબી લાઇનો જોવા મળી હતી.
ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડન જઈ રહેલા એક મુસાફરે કહ્યું હતું કે ‘અમે ૯ સપ્ટેમ્બરે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૧ વાગ્યાથી બીજા દિવસે સાંજે ૫.૪૫ વાગ્યા સુધી ઝ્યુરિક ઍરપોર્ટ પર લગભગ ૧૭ કલાક સુધી ફસાયા હતા. અમને એક મેસેજ મળ્યો હતો જેમાં અમારી ફ્લાઇટ ૯ સપ્ટેમ્બરે સાંજે ૫.૪૫ વાગ્યે ઝ્યુરિકથી લંડન જવા માટે ઊપડશે એવી માહિતી આપવામાં આવી હતી. ઍરલાઇનના સ્ટાફે રાત્રિ માટે નાસ્તો, પાણી અને બેડરોલ પૂરાં પાડ્યાં હતાં. આ ઉપરાંત અમને નાસ્તો અને બપોરના ભોજન માટેની કૂપન્સની વ્યવસ્થા પણ કરી અપાઈ હતી.’
એકનાથ શિંદેના પ્રતિનિધિમંડળના ૬ સભ્યો પણ ઝ્યુરિકમાં ફસાયા, કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પ્રતિનિધિમંડળના ૬ સભ્યો પણ આ જ ફ્લાઇટમાં હતા અને ઝ્યુરિકમાં અટવાઈ ગયા હતા. એકનાથ શિંદે અત્યારે બ્રિટનની મુલાકાતે ગયા છે ત્યારે આ પ્રતિનિધિઓ એકનાથ શિંદે બુધવારે જે બે સમારંભોમાં હાજરી આપવાના હતા એ બન્ને સમારંભો ચૂકી ગયા હતા. લંડનમાં એકનાથ શિંદેને બે જુદા-જુદા સમારંભમાં ત્રણ અવૉર્ડ આપવાનું નિર્ધારિત હતું.