09 November, 2025 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શનિવારે સવારે મુંબઈથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI129માં ટેક-ઑફ પહેલાં જ ટેક્નિકલ સમસ્યા સર્જાતાં એ ૮ કલાક મોડી ઊપડી હતી એને પગલે અનેક મુસાફરોને હાલાકી થઈ હતી.
સવારે ૬.૨૫ વાગ્યે ઊપડનારી ફ્લાઇટ ૩૦ મિનિટ મોડી ઊપડશે એવી જાહેરાત કરવામાં આવી હતી, પણ બોર્ડિંગ ૬ વાગ્યાથી શરૂ થયું હતું. મુસાફરો બોર્ડિંગ કરીને પોતાની સીટ પર બેઠા પછી પ્લેન એક કલાક સુધી ઊપડ્યું નહોતું. ત્યાર બાદ બધા મુસાફરોને વધારાની સિક્યૉરિટી ચેકિંગ માટે ૮.૧૫ વાગ્યે ક્રૂ-મેમ્બર્સે પ્લેનમાંથી નીચે ઉતાર્યા હતા. હૅન્ડ-બૅગેજનું પણ ફરીથી ચેકિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું. અનેક મુસાફરોએ આ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો.
ઍર ઇન્ડિયાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ‘ઍરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાવાને લીધે ફ્લાઇટ ડિલે થઈ હતી જેને ઍરલાઇન્સ મેઇન્ટેનન્સ ઍન્ડ સેફ્ટી સિસ્ટમ સાથે કોઈ સંબંધ નથી. ક્રૂ-મેમ્બર્સ ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન મુજબ કામ કરતા હોવાથી ઍરક્રાફ્ટનું સમારકામ પત્યા બાદ તરત તેઓ ફ્લાઇટ ઑપરેટ નહોતા કરી શક્યા. ફ્લાઇટ બપોરે ૨.૨૫ વાગ્યે ઊપડી ત્યાં સુધી મુસાફરોને ફૂડ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડી હતી.’
દિલ્હી ઍરપોર્ટ પર પરિસ્થિતિ હવે નૉર્મલ
ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ની ફ્લાઇટ પ્લાનિંગ પ્રક્રિયામાં ટેક્નિકલ ખામીને કારણે શુક્રવારે ૮૦૦થી વધુ ફ્લાઇટ્સમાં વ્યાપક વિલંબ થયાના એક દિવસ પછી ગઈ કાલે ઍરપોર્ટ ઑથોરિટીએ જણાવ્યું હતું કે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) ઍરપોર્ટ પર કામગીરી સામાન્ય થઈ ગઈ છે. સવારે ૧૧.૫૫ વાગ્યે જાહેર કરાયેલી એક ઍડ્વાઇઝરી મુજબ ઍરપોર્ટે પુષ્ટિ આપી હતી કે બધી ફ્લાઇટ-કામગીરી હવે સામાન્ય છે. એમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી ઍરપોર્ટ પર ઍરલાઇન્સની કામગીરી સામાન્ય થઈ રહી છે અને તમામ સંબંધિત અધિકારીઓ કોઈ પણ અસુવિધાને ઓછી કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છે. મુસાફરોને નવીનતમ ફ્લાઇટ-અપડેટ માટે તેમની ઍરલાઇન સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (IGIA) પર વિક્ષેપ ઑટોમૅટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS)માં ખામીને કારણે થયો હતો, જેને કારણે ઍર ટ્રાફિક કન્ટ્રોલર્સ (ATC)ને ઑટોમેટેડ કામગીરી છોડીને મૅન્યુઅલ પ્રક્રિયાઓ પર સ્વિચ કરવાની ફરજ પડી હતી. ગુરુવાર બપોરથી સમગ્ર નેટવર્કને આની વ્યાપક અસર લાગવા માંડી હતી. ભારતના સૌથી વ્યસ્ત ઍરપોર્ટ તરીકે IGIA સામાન્ય રીતે દરરોજ લગભગ ૧૫૦૦ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જેમાં પીક ટ્રાફિકમાં પ્રતિ કલાક ૬૦-૭૦ ફ્લાઇટ્સ ઑપરેટ થાય છે. ઑટોમેશન નિષ્ફળ જાય ત્યારે થતો વિક્ષેપ ખૂબ જ ગંભીર હોય છે.
ગરુડભાઈએ તો ભારે કરી- ટ્રેનની વિન્ડસ્ક્રીન તોડીને કૅબિનમાં ઘૂસી આવ્યું, પાઇલટ ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક ગરુડ ટ્રેનની વિન્ડસ્ક્રીન સાથે અથડાયું હતું અને લોકોમોટિવ પાઇલટની કૅબિનમાં જઈ પહોંચ્યું હતું જેને કારણે પાઇલટને ઈજાઓ થઈ હતી. આ ઘટના બિજબેહરા અને અનંતનાગ રેલવે-સ્ટેશનો વચ્ચે બારામુલા-બનિહાલ ટ્રેનમાં બની હતી. ટ્રેનની વિન્ડસ્ક્રીન તૂટી ગઈ હતી જેને કારણે પાઇલટના ચહેરા પર ઈજાઓ થઈ હતી. જોકે ટક્કર પછી પક્ષી પાઇલટની કૅબિનમાં સુરક્ષિત રીતે ઊતરી ગયું હતું.