કારને મામૂલી ટક્કર લાગી હોવા છતાં ઐશ્વર્યાના બાઉન્સરે BESTના ડ્રાઇવરને લાફો મારી દીધો

28 March, 2025 07:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુહુ તારા રોડ પર અમિતાભ બચ્ચનના બંગલા પાસે બનેલી ઘટનામાં બસનો ડ્રાઇવર કારને ટક્કર લાગ્યા બાદ નીચે ઊતર્યો ત્યારે બાઉન્સરે હુમલો કર્યો : જોકે બાદમાં માફી માગતાં ડ્રાઇવરે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું માંડી વાળ્યું

અમિતાભ બચ્ચનના બંગલાના બાઉન્સરે બસ-ડ્રાઇવરને ફટકાર્યો હતો.

બુધવારે સાંજે જુહુ તારા રોડ પર અમિતાભ બચ્ચનના બંગલા પાસે ઐશ્વર્યા રાયની કારને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની ૨૩૧ નંબરના રૂટની બસે ટક્કર મારી હતી. કારને બસ ટચ થવાથી ડ્રાઇવર નીચે ઊતરીને ચેક કરી રહ્યો હતો ત્યારે અમિતાભ બચ્ચનના બંગલામાંથી આવેલા એક બાઉન્સરે બસ-ડ્રાઇવરને લાફો મારી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. 
અમિતાભ બચ્ચનના બાઉન્સરે બસ-ડ્રાઇવરને લાફો માર્યા બાદ ડ્રાઇવરે ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે અમિતાભ બચ્ચનના બંગલાના સિક્યૉરિટીના સુપરવાઇઝરે બાઉન્સરની હરકત માટે બસ-ડ્રાઇવરની માફી માગી હતી. આથી બસ-ડ્રાઇવરે પોલીસમાં ફરિયાદ નોંધાવવાને બદલે બસ સાંતાક્રુઝ તરફ હંકારી હતી.
ઉલ્લેખનીય છે કે કારને બસે ટક્કર મારી ત્યારે ઐશ્વર્યા કે અમિતાભના પરિવારની કોઈ વ્યક્તિ કારમાં નહોતી. 

mumbai news mumbai traffic brihanmumbai electricity supply and transport aishwarya rai bachchan road accident mumbai