05 February, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીજિત પવાર
ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના દૂરના એક સંબંધીએ દાવો કર્યો છે કે પ્લેન ક્રૅશ થયું એની થોડી મિનિટો પહેલાં તેમણે ફોન પર તેમની સાથે વાત કરી હતી. તેમણે જે દાવો કર્યો હતો એ કૉલનું ઑડિયો-રેકૉર્ડિંગ પણ તેમની પાસે હતું. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે પ્લેન ક્રૅશ થયું એની સાત મિનિટ પહેલાં એમાં કોઈ ખામી નહોતી. તો છેલ્લી ઘડીએ શું બન્યું એની તપાસ કરીને સાચી હકીકત સામે લાવવી જોઈએ એવી તેમણે માગણી કરી હતી.
અજિત પવારના દૂરના ભત્રીજા શ્રીજિત પવારે જણાવ્યું હતું કે તેમણે અજિત પવારને આગામી જિલ્લાપરિષદની ચૂંટણીમાં માળી સમુદાયનું પ્રતિનિધિત્વ માગવા માટે મેસેજ કર્યો હતો.
શ્રીજિત પવારે જણાવ્યું હતું કે ‘મેં તેમને સવારે ૮.૧૯ વાગ્યે મેસેજ કર્યો હતો જ્યારે તેઓ વિમાનમાં હતા. વિમાન નેટવર્કની રેન્જમાં આવતાંની સાથે જ તેમણે મને સવારે ૮.૩૭ વાગ્યે ફોન કર્યો હતો. એક મિનિટ સુધી વાત ચાલી હતી. ક્રૅશ થયાની થોડી મિનિટો પહેલાં જ મેં જિલ્લાપરિષદની ચૂંટણી વિશે વાત કરી હતી.’
આ દાવા મુજબ અજિત પવારનો મોબાઇલ રેન્જમાં આવ્યો ત્યારે પ્લેન ૨૫૦૦ ફુટ ઊંચે અને ૧૩૯ નૉટિકલ માઇલની સ્પીડ પર ઊડી રહ્યું હતું. ત્યારબાદ પ્લેન લૅન્ડિંગ માટે ચક્કર લગાવી રહ્યું હતું. અજિત પવારે વાતચીત દરમ્યાન કહ્યું હતું કે તેઓ હંમેશાં બધા સમુદાયોને સાથે રાખવાનો પ્રયાસ કરે છે. અજિત પવાર એવું પણ કહ્યું હતું કે તેમણે માળી સમુદાયના દિગંબર દુર્ગાડેને પુણે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડના ચૅરમૅન તરીકે નિયુક્ત કર્યા છે, બારામતીમાં એક જિલ્લાપરિષદમાં માળી સમુદાયના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.
NCPના નેતા અમોલ મિટકરીએ હવે નવો દાવો કરીને કહ્યું હતું કે ‘અજિત પવારના મૃત્યુના દિવસે સાંજે પાંચ વાગ્યે જ્યારે હું ઘટનાસ્થળે ગયો ત્યારે ત્યાંના સરપંચે ચોંકાવનારી માહિતી આપી હતી. વિમાન ક્રૅશ થયું એ પહેલાં કોઈ એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું હતું.’ અમોલ મિટકરીએ દાવો કર્યો હતો કે ગોજુબાવી ગામના સરપંચે માહિતી આપી હતી કે તેઓ એ વ્યક્તિને બચાવવા જઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ વિમાનમાં છ લોકો હોવાની પણ એક થિયરી ચાલી રહી છે. ત્યારે છઠ્ઠી વ્યક્તિ ક્યાં ગઈ એવો પ્રશ્ન અમોલ મિટકરીએ ઊભો કર્યો હતો. ગોજુબાવીના સરપંચે અકસ્માતને જાતે જોયો હોવાનો દાવો કર્યો હતો અને અકસ્માત સમયે વિમાનનો દરવાજો ખુલ્લો હતો એવું પણ કહ્યું હતું. શરૂઆતમાં તેમને લાગ્યું કે વાદળી પૅન્ટ પહેરેલી કોઈ વ્યક્તિ બહાર આવી રહી છે, પણ પછીથી એવું કંઈ દેખાયું નહીં. સરપંચે શરદ પવારને મળીને આ માહિતી તેમને પણ આપી હતી.
લાડકી બહિણ યોજનાનું નામ બદલીને અજિત પવારના નામે રાખવાના પ્રસ્તાવ પર વિચારણા કરવાની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તૈયારી બતાવી છે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અમોલ મિટકરીએ મંગળવારે મહિલાઓને નાણાકીય સહાય આપતી સરકારની મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાનું નામ બદલીને અજિતદાદાચી લાડકી બહિણ યોજના કરવાની માગ કરી હતી. આ વિશે પ્રતિક્રિયા આપતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આવી ઘણી માગણીઓ છે, અમે સાથે બેસીને વિચારીશું કે કેવી રીતે આગળ વધવું.’ અમોલ મિટકરીએ કહ્યું હતું કે ‘અજિતદાદા રાજ્યની મહિલાઓના પ્રિય ભાઈ હતા. તેમની યાત્રાઓ દરમ્યાન રાજ્યભરમાં મુસાફરી કરતા ત્યારે તેમનાં કાંડાં રાખડીઓથી ભરેલાં રહેતાં. જો રાજ્ય સરકાર આ યોજનાનું નામ તેમના નામ પર રાખે તો તેમને સાચી શ્રદ્ધાંજલિ મળશે.’ અજિત પવાર જ્યારે નાણાપ્રધાન હતા ત્યારે તેમણે ૨૦૨૪ના જુલાઈ મહિનામાં લાડકી બહિણ યોજના શરૂ કરી હતી.
NCP-SPના અધ્યક્ષ શરદ પવાર ગઈ કાલે અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા માટે બારામતીમાં તેમના ઘરે રાખેલી શોકસભામાં ગયા હતા. દરમ્યાન તેઓ નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર અને તેમના પુત્રોને મળ્યા હતા. તેમણે પોતાના સ્વર્ગસ્થ ભત્રીજાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
યુથ વિંગના નેતાને અસ્થિ કળશ સોંપતા પાર્થ પવાર.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની યુથ વિંગે અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા માટે ૪ દિવસની રાષ્ટ્રવ્યાપી ‘અસ્થિ કળશ યાત્રા’ શરૂ કરી છે. આ યાત્રાના ભાગરૂપે અજિત પવારનાં અસ્થિનું કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશભરની મુખ્ય નદીઓ અને ધાર્મિક સ્થળોએ વિસર્જન કરવામાં આવશે. અસ્થિ કળશ યાત્રા ગઈ કાલે NCPના દિલ્હી હેડ ક્વૉર્ટરથી પ્રાર્થનાસભા સાથે શરૂ થઈ હતી અને ૭ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ યાત્રા દસથી વધુ રાજ્યોમાંથી પસાર થશે. મંગળવારે બારામતીના તેમના નિવાસસ્થાને પરંપરાગત વિધિઓ કર્યા પછી અજિત પવારના પુત્ર પાર્થ પવારે NCPની યુથ વિંગના પદાધિકારીઓને અસ્થિ કળશ સોંપ્યો હતો.