22 December, 2025 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજીત પવાર
ગઈ કાલે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીનાં પરિણામોથી પુણે જિલ્લાના રાજકારણમાં એક રસપ્રદ વળાંક જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્યમાં જોઈએ તો BJP અને શિંદેસેનાએ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું, પણ અજિત પવારે પુણે જિલ્લામાં પોતાની મજબૂત પકડની પ્રતીતિ કરાવી દીધી હતી. પુણે જિલ્લાની ૧૭માંથી ૧૦ નગરપરિષદોના અધ્યક્ષપદ પર અજિત પવારની NCPનો વિજય થયો હતો, એમાંથી એક વિજય BJP સાથે યુતિમાં મળ્યો હતો. આ સિવાય પુણેમાં BJPને ત્રણ અને શિંદેસેનાને ૪ નગરપરિષદમાં વિજય મળ્યો હતો. પુણે જિલ્લામાં ઘણીબધી બેઠકોમાં અજિત પવાર અને શરદ પવારની એમ બન્ને NCPના ઉમેદવારો સામસામે હતા. લોકસભા ઇલેક્શન પછી પુણેમાં અજિત પવારની પકડ વિશે થયેલા પ્રશ્નો પર પૂર્ણવિરામ મુકાયું હોવાનો તેમના સમર્થકોએ દાવો કર્યો હતો. પાછલા દિવસોમાં પુણેના રાજકારણમાં NCP અને BJP વચ્ચે પણ રસાકસી જોવા મળી હતી અને બન્ને પાર્ટી એકબીજાના આગેવાનોને પોતાના પક્ષમાં ખેંચી ગઈ હતી.