વિધાનસભ્ય અમોલ કોલ્હેનો સનસનાટીભર્યો સવાલ: પાઇલટ સુસાઇડ-બૉમ્બર નહોતો એની ખાતરી શું?

24 February, 2026 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમોલ મિટકરીએ કહ્યું હતું કે ‘શું અજિત પવારની હત્યા એ જ રીતે કરવામાં આવી હતી જે રીતે લિબરેશન ટાઇગર ઑફ તામિલ ઇલમ (LTTE)એ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરી હતી?’

અમોલ મિટકરી

રાજ્યના દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક મૃત્યુ પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અકસ્માત વિશે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય અમોલ મિટકરી દ્વારા નવા દાવા કરવામાં આવી રહ્યા છે અને સીધો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે એ અકસ્માત નહીં, કાવતરું હતું. હવે અમોલ મિટકરીએ અજિત પવારના આકસ્મિક મૃત્યુ વિશે સૌથી સનસનાટીભર્યો દાવો કર્યો છે. અમોલ મિટકરીએ કહ્યું હતું કે ‘શું અજિત પવારની હત્યા એ જ રીતે કરવામાં આવી હતી જે રીતે લિબરેશન ટાઇગર ઑફ તામિલ ઇલમ (LTTE)એ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરી હતી?’ 

અમોલ મિટકરીએ વધુમાં કહ્યું હતું કે ‘પાઇલટ સુમિત કપૂર એક આત્મઘાતી બૉમ્બર તરીકે આવ્યો હતો. રાજીવ ગાંધીની હત્યા LTTEના આત્મઘાતી બૉમ્બરે કરી હતી. સુમિત કપૂર આત્મઘાતી બૉમ્બર કઈ રીતે ન હોઈ શકે? અજિતદાદાના વિમાનમાં જેમને ફરજ સોંપાયેલી એ સાહિલ મદન અને યશ નામના બે પાઇલટ એ દિવસે ક્યાં અટવાઈ ગયા હતા અને હવે તેઓ ક્યાં છે? આટલી જ માહિતી આપવી જોઈએ. જો બ્લૅક બૉક્સનો ડેટા મળી આવે તો કોઈ વાંધો નથી. ૨૮ જાન્યુઆરીએ સવારે પાંચ વાગ્યાથી સાહિલ મદન અને યશ કોના સંપર્કમાં હતા એનો કૉલ ડિટેઇલ રેકૉર્ડ (CDR) રજૂ કરવામાં આવે તો પણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.’

હાલમાં ૧૩ મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે : દેવેન્દ્ર ફડણવીસ

બીજી બાજુ હાલમાં આ કેસમાં ૧૩ મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે એમ કહેતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ડિજિટલ રેકૉર્ડ લેવામાં આવ્યા છે. ડેટા ઉપલબ્ધ ન હોવાની કોઈ વાત નથી. વૉઇસ રેકૉર્ડરનો ડેટા રિકવર કરવામાં આવી રહ્યો છે. VSR કંપનીનું ઑડિટ કરવામાં આવી રહ્યું છે. માત્ર અકસ્માત સમયે જ નહીં પરંતુ આખા વર્ષનું ઑડિટ કરવામાં આવશે. લૉગબુકમાંથી બધાં પાસાંઓ તપાસવામાં આવશે. જે પણ શંકાઓ છે એનું નિરાકરણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન વિભાગ પાસે છુપાવવા માટે કાંઈ નથી. આ તપાસમાંથી જેકાંઈ બહાર આવે છે એ આપણા માટે મહત્ત્વનું છે. મેં પોતે જે વિમાનમાં અજિત પવારનો અકસ્માત થયો હતો એમાં ચારથી પાંચ વખત મુસાફરી કરી છે.’

mumbai news mumbai ajit pawar nationalist congress party plane crash baramati political news