30 January, 2026 09:54 AM IST | Baramati | Gujarati Mid-day Correspondent
અજિત પવારના અંતિમ સંસ્કાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે છ મહિના અગાઉ બારામતીને નવી ઍમ્બ્યુલન્સ મળે એ માટે વિશેષ પ્રયત્નો કર્યા હતા. અજિત પવારના પ્રયત્નોને પગલે બારામતી મ્યુનિસિપલ કૉર્પોરેશનને જે નવી ઍમ્બ્યુલન્સ મળી હતી એ જ ઍમ્બ્યુલન્સમાં તેમનો મૃતદેહ લઈ જવામાં આવ્યો હોવાનું ઍમ્બ્યુલન્સના ડ્રાઇવર નાઝિમ કાઝીએ જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કાઉન્સિલમાં ઍમ્બ્યુલન્સ-ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા નાઝિમ કાઝીએ જણાવ્યું હતું કે બારામતી મ્યુનિસિપલ કાઉન્સિલ પાસે ખૂબ જ જૂની ઍમ્બ્યુલન્સ હોવાની જાણ થતાં અજિત પવારે તાત્કાલિક સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવી હતી અને કોઈ પણ વિલંબ વિના નવી ઍમ્બ્યુલન્સ પૂરી પાડવામાં આવે એવો નિર્દેશ આપ્યો હતો. આ વાત જણાવતાં ગળગળા થઈ ગયેલા નાઝિમ કાઝીએ કહ્યું હતું કે કમનસીબે મારે અજિત પવારના મૃતદેહને હૉસ્પિટલમાંથી એ જ ઍમ્બ્યુલન્સમાં લઈ જવો પડ્યો જે ઍમ્બ્યુલન્સ તેમના કારણે અમને મળી હતી.
અજિત પવાર સાથેની તેની છેલ્લી વાતચીતને યાદ કરતાં નાઝિમ કાઝીએ કહ્યું હતું કે ઍમ્બ્યુલન્સ સોંપવામાં આવી ત્યારે તેમણે મને પ્રામાણિકપણે કામ કરવાની સલાહ પણ આપી હતી, જે હું ક્યારેય નહીં ભૂલી શકું.