કન્સ્ટ્રક્શન સાઇટ પાસેથી પસાર થતાં રહેજો અલર્ટ

21 May, 2022 08:16 AM IST  |  Mumbai | Mehul Jethva

કાંદિવલીમાં રહેતા ગુજરાતી વેપારી સાઇક્લિંગ કરવા નીકળ્યા હતા એ દરમ્યાન કન્સ્ટ્રક્શન સાઇટનો પથ્થર માથે પડતાં થયા ગંભીર જખમી : માથામાં સર્જરી કરવી પડી

કાંદિવલી વેસ્ટમાં લિન્ક રોડ પર લાલજી પાડા પાસે આવેલી સિદ્ધા સીબ્રુકની સાઇટ.


મુંબઈ : કાંદિવલીમાં રહેતા ગુજરાતી વેપારી રોજના ક્રમ અનુસાર સાઇક્લિંગ કરવા નીકળ્યા હતા. એ દરમ્યાન લિન્ક રોડ પરથી સાઇકલ પર પસાર થતી વખતે એકાએક ત્યાંની કન્સ્ટ્રક્શન સાઇટનો પથ્થર તેમના માથે પડ્યો હતો અને થોડી વાર તેઓ ત્યાં બેભાન થઈ ગયા હતા. એ પછી ત્યાં ઉપસ્થિત લોકો તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી માથામાં સર્જરીના વધુ ઇલાજ માટે તેમને કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. કાંદિવલી પોલીસે કન્સ્ટ્રક્શન સાઇટના કૉન્ટ્રૅક્ટર અને ડેવલપર સામે બેદરકારીપૂર્વક બાંધકામ કરવા અંગેની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
કાંદિવલી-વેસ્ટમાં ન્યુ લિન્ક રોડ પર આવેલી ગિરિરાજ હાઇટ્સમાં રહેતા મિથિલ પ્રદીપ ગાંધીએ કરેલી ફરિયાદ અનુસાર મંગળવારે સાંજે તેઓ રોજિંદા ક્રમ અનુસાર સાંજે ૬થી ૭.૩૦ સુધી સાઇક્લિંગ માટે નીક્ળ્યા હતા. આશરે એક કલાક સાઇક્લિંગ કર્યા પછી તેઓ ઘરે આવવા માટે ન્યુ લિન્ક રોડ પરથી પસાર થઈ રહ્યા હતા એ દરમ્યાન સિદ્ધા સીબ્રુક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પસાર થતી વખતે એક પથ્થર તેમના માથે પડ્યો હતો. એ સમયે માથા પરથી લોહી નીકળતાં તેઓ થોડી વાર બેભાન થઈ જતાં આસપાસમાં લોકો ભેગા થઈ ગયા હતા. તેમણે મિથિલ ગાંધીને મલાડની ઝેનિથ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે માથાની ગંભીર ઈજાને કારણે તેમના પરિવારે તેમને કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં તેમની માથાની સર્જરી થઈ હતી અને માથામાં આઠ ટાંકા આવ્યા હતા. આ ઘટનામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રોડ સાઇડ સેફ્ટી માટે કોઈ સુવિધા રાખેલી ન હોવાથી આ ઘટના બની હોવાનું સામે આવતં કન્સ્ટ્રક્શન સાઇટના કૉન્ટ્રૅક્ટર અને ડેવલપર સામે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મિથિલભાઈનાં પત્ની રોશની ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમને બે દિવસ આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા જ્યાં તેમને માથામાં થયેલી ઈજા પર સર્જરી કરવામાં આવી હતી. હાલમાં તેમની હાલત સારી હોવાથી તેમને જનરલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ડૉક્ટરના કહેવા પ્રમાણે તેમને હાડકાંમાં માર લાગ્યો છે. દસ દિવસ તેમણે આરામ કરવાનો રહેશે.’
કાંદિવલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિદ્ધા સીબ્રુક કન્સ્ટ્રક્શનના કૉન્ટ્રૅક્ટર અને તેના ડેવલપર સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે રોડ સાઇડ સેફ્ટી માટે કોઈ પ્રકારની સુવિધા કરી ન હોવાથી પથ્થર ફરિયાદીના માથા પર પડ્યો હતો.’ આ બાબતે સિદ્ધા સીબ્રુક પ્રોજેક્ટના પાર્ટનર અમૃત ગડાનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હું આઉટ ઑફ ઇન્ડિયા છું અને શનિવારે મુંબઈ પાછો આવવાનો છું.

mumbai news mumbai