આજે ઉદ્ધવ ઠાકરે બીજેપી અને એમએનએસને કઈ રીતે સાણસામાં લેશે એના પર બધાની નજર

14 May, 2022 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના બાદ તેમની મુંબઈમાં પહેલી મોટી જાહેર સભા : પક્ષ દ્વારા જારી કરવામાં આવેલાં ત્રણ ટીઝરમાં સંકેત આપી દીધા છે

ઉદ્ધવ ઠાકરે

શિવસેનાપ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની કોરોના મહામારી બાદ આજે પહેલી મોટી સભા બાંદરાના બીકેસી મેદાનમાં આયોજિત કરવામાં આવી છે. આ સભા માટે શિવસેના દ્વારા એક-બે નહીં, પણ ત્રણ ટીઝર જારી કરવામાં આવ્યા છે. એમાં ઉદ્ધવ ઠાકરે અનેક લોકોના માસ્ક ઉતારશે અને હિન્દુત્વ શું છે એ બતાવીશ એવું દર્શાવવામાં આવ્યું છે. અત્યારે રાજ ઠાકરે અને બીજેપી દ્વારા શિવસેના અને મુખ્ય પ્રધાન પર મસ્જિદો પરનાં લાઉડસ્પીકરો બાબતે પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ જાહેર સભામાં ઉદ્ધવ ઠાકરેના મુખ્ય ટાર્ગેટ બીજેપી અને રાજ ઠાકરે હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે દ્વારા મુંબઈના શિવાજી પાર્ક, થાણે અને ઔરંગાબાદમાં મોટી જાહેર સભાઓનું આયોજન કરાયું હતું. એમાં તેમણે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારથી માંડીને સુપ્રીમ કોર્ટના ધ્વનિપ્રદૂષણનું પાલન મુસ્લિમ સમાજ ન કરતો હોવાથી તેમની સામે આક્રમક ભૂમિકા લીધી હતી. રાજ ઠાકરેની ત્રણ સભા બાદ શિવસેનાએ પણ તેમને જવાબ આપવા માટે જાહેર સભાનું આયોજન કર્યું છે. કોરોના મહામારી બાદ મુંબઈમાં પહેલી વખત શિવસેનાની આજે સાંજે બીકેસીના ગ્રાઉન્ડમાં મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જાહેર સભા માટે રાજ ઠાકરેની જેમ ઉદ્ધવ ઠાકરે શું બોલવાના છે એનાં ત્રણ ટીઝર જારી કરવામાં આવ્યાં છે. એ સિવાય ઉદ્ધવ ઠાકરેએ આજની સભા બાબતે અગાઉ ૧૪ મેએ અનેક લોકોના માસ્ક ઉતારવાનું કહ્યું હતું. પરમ દિવસે જારી કરવામાં આવેલા ત્રીજા ટીઝરમાં ઉદ્ધવ ઠાકરેના અવાજમાં સંભળાય છે કે ‘તમે મને તાકાત આપો, હું દાંત પાડવાનું કામ કરીને બતાવીશ’. ઉદ્ધવ ઠાકરે કોના માસ્ક ઉતારશે અને કોના દાંત તોડવાનું કહેશે એના પર સૌની મીટ મંડાયેલી છે.
શિવસેનાએ આજની જાહેર સભા માટે જારી કરેલા બીજા ટીઝરમાં જે ફોટો-વિડિયો વાપરવામાં આવ્યા છે એ એમએનએસની સભાના હોવાનો દાવો એમએનએસના નેતાએ કરતાં વિવાદ ઊભો થયો હતો. એમએનએસના પ્રવક્તા ગજાનન કાળેએ આ બાબતે દાવો કરતાં શિવસેનાને ટોણો માર્યો હતો કે એમએનએસના નગરસેવક ચોરતાં-ચોરતાં શિવસેના હવે ફોટો પણ ચોરવા
લાગી છે. 

આજે બાંદરામાં સમાજવાદી પક્ષની લલકાર રૅલી

બાંદરામાં આજે સાંજે સમાજવાદી પક્ષના મુંબઈ અધ્યક્ષ અબુ આઝમીની રૅલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક જ દિવસે બાંદરામાં જ શિવસેના અને એના કટ્ટર વિરોધી પક્ષ એવા સમાજવાદી પક્ષની રૅલી હોવાથી અહીં રાજકીય વાતાવરણ ગરમાવાની શક્યતા જોવાઈ રહી છે. સમાજવાદી પક્ષના મુંબઈ અધ્યક્ષ અબુ અસીમ આઝમીની બાંદરા-પૂર્વમાં આવેલા બહેરામનગર નાકા પાસે નફરતની રાજનીતિ, સાંપ્રદાયિકતા, મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં લલકાર રૅલીનું આયોજન રાત્રે આઠ વાગ્યે કરવામાં આવ્યું છે.

Mumbai mumbai news bharatiya janata party maharashtra navnirman sena uddhav thackeray