એસી લોકલની નવી સર્વિસ સામે લોકો થયા નારાજ

30 September, 2022 12:53 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

આવતી કાલથી વેસ્ટર્ન રેલવેમાં નવી અને સુધારેલી એસી લોકલ સર્વિસનને બદલાવને કારણે અનેક પ્રવાસીઓને કરી ફરિયાદ : વેપારી અસોસિએશન અને પ્રવાસીઓએ વાંધો ઉઠાવીને રેલવેમાં કર્યો પત્રવ્યવહાર

ફાઇલ તસવીર

વેસ્ટર્ન રેલવેમાં એસી લોકલની માગણીને ધ્યાનમાં રાખીને એમાં પહેલી ઑક્ટોબરથી વધારો કરવામાં આવી રહ્યો છે. એ સાથે વેસ્ટર્ન રેલવેના નવા ટાઇમ-ટેબલમાં અમુક નૉન-એસી લોકલના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. જોકે આ નવી એસી લોકલને કારણે હજારો પ્રવાસીઓએ હેરાનગતિનો પણ સામનો કરવો પડશે. વેસ્ટર્ન રેલવેએ નવી એસી અને નૉન-એસી લોકલની જાહેરાત કરતાં અમુક અસોસિએશનો અને પ્રવાસીઓએ નારાજગી દાખવીને એમાં બદલાવ કરવાની માગણી કરી છે. 

સાઉથ મુંબઈમાં કૉર્પોરેટ ઑફિસ, મોટી હોલસેલ માર્કેટ, રીટેલ માર્કેટ, ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળો આવેલાં છે. એટલે ઑફિસે જતા લોકો, વેપારીઓ, કામદારો, ભક્તો, પર્યટકો, પ્રવાસીઓ સાઉથ મુંબઈ બાજુનાં સ્ટેશનો પર વધુ પ્રવાસ કરતા હોય છે. એથી એસી લોકલ મુસાફરો માટે અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ બની છે. 
ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશનના કેન્દ્રીય પ્રમુખ મિતેશ મોદીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેલવેએ પ્રવાસીઓની વધતી ભીડ અને માગણીને ધ્યાનમાં રાખીને પહેલી ઑક્ટોબરથી વર્તમાન એસી લોકલના સુધારેલા સમય સાથેનું નવું ટાઇમટેબલ રજૂ કર્યું છે. સૂચિત સમય અને અગાઉના સમયમાં ફેરફાર રોજિંદા મુસાફરો માટે ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સમાં ભારે અગવડનો વિષય છે. અમારા ઘણા સભ્યોએ અમને એ માટે અને નવી સર્વિસમાં બોરીવલી જતી એસી લોકલની ઉપલબ્ધતા ન હોવાની ફરિયાદ કરી છે તેમ જ મીડિયામાં પણ અંધેરી, બોરીવલી અને બોરીવલીથી પીક અવર્સમાં વિરાર એસી લોકલમાં પ્રવેશવાની અને બહાર નીકળવાની મુશ્કેલીઓને પ્રકાશિત કરી છે. સોશ્યલ મીડિયા પર પણ એની  વિડિયો ક્લિપ્સ ફરતી થઈ રહી છે અને એના પર પણ ધ્યાન આપવું આવશ્યક છે.’

મિતેશ મોદીએ વધુમાં કહ્યું હતું કે ‘અમે સવાર અને સાંજના પીક અવર્સ દરમ્યાન બોરીવલી જતી એસી લોકલ સર્વિસમાં વધારો કરવાની અને ઉમેરવાની અમારી માગણી પત્ર દ્વારા રજૂ કરી છે. ખાસ કરીને કોઈ પણ સમયે સવારે ૧૦.૧૫થી ૧૧ વાગ્યા સુધી બોરીવલીથી ચર્ચગેટ સુધી અને સાંજે ૬.૧૫થી સાંજે ૭ વાગ્યા સુધી ચર્ચગેટથી બોરીવલી સુધીના સમયમાં સર્વિસમાં વધારો કરવો આવશ્યક છે તેમ જ નવા ટાઇમટેબલમાં કોઈ પણ અગાઉની એસી લોકલના સમયમાં ફેરફાર ન કરવા વિનંતી પણ કરી છે. આ બદલાવ કરાશે તો વધુ મુસાફરો એસી લોકલ પસંદ કરશે અને એની સાથે વેસ્ટર્ન રેલવેને વધુ આવક થશે અને પ્રવાસીઓ માટે વધુ સારી મુસાફરી થશે. આ પત્ર બાદ અમે આશા રાખી છે કે અમારી માગણી સાંભળવામાં આવશે અને ઇચ્છિત ફેરફારો કરવામાં આવશે.’

સવારની ૭.૫૪ વાગ્યાની એસી લોકલ શરૂ રાખો

પહેલી ઑક્ટોબરથી લાગુ થનારા નવા ટાઇમટેબલમાં બોરીવલીના પ્રવાસીઓ માટે સવારના પીક અવર્સમાં વરદાનરૂપ બનેલી અને સાડાત્રણ હજારથી વધુ લોકો સાથે પ્રવાસ કરતી સવારની ૭.૫૪ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ એસી લોકલ વિધડ્રૉ કરાઈ હોવાનું સામે આવ્યું છે. આ જાહેરાતની જાણ થતાં આઘાત પામેલા ૭.૫૪ વાગ્યાની એસી લોકલના પ્રવાસીઓએ તાત્કાલિક વેસ્ટર્ન રેલવેના ડેપ્યુટી રીજનલ મૅનેજર, બોરીવલીના સ્ટેશન માસ્ટર, સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, વિધાનસભ્ય સુનીલ રાણેને પત્ર લખીને આ લોકલ ચાલુ રાખવાની વિનંતી કરી છે. પ્રવાસીઓએ પત્રમાં લખ્યું હતું કે બોરીવલીથી પીક અવર્સમાં આ એકમાત્ર એસી લોકલ છે. વિરારથી ચર્ચગેટ જતી એસી લોકલમાં બોરીવલીથી પ્રવાસીઓને ચડવા મળતું નથી એથી સવારે સાડાસાતથી સાડાનવ વાગ્યા સુધીના પીક અવર્સમાં અન્ય એસી લોકલ શરૂ કરવાની પણ વિનંતી કરાઈ છે. 

રેલવેનું શું કહેવું છે?

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે આ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલમાં અમે વ્યસ્ત હોવાથી આ બાબતે ધ્યાન નથી ગયું. પ્રવાસીઓની માગણી સામે ધ્યાન આપવાના પ્રયત્નો જરૂર કરવામાં આવશે.’

mumbai mumbai news western railway preeti khuman-thakur