દેશની સુરક્ષાના ચાણક્યનું દેશના રાજકીય ચાણક્યના હસ્તે સન્માન

02 August, 2026 07:20 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેમાં ભારતના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે એનાયત કરવામાં આવ્યો લોકમાન્ય ટિળક નૅશનલ અવૉર્ડ

ગઈ કાલે પુણેમાં અજિત ડોભાલને લોકમાન્ય ટિળક નૅશનલ અવૉર્ડ આપતા અમિત શાહ. આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવાર પણ ઉપસ્થિત હતાં.

મહાન ભારતીય ક્રાન્તિકારી બાળ ગંગાધર ટિળકની ૧૦૬મી પુણ્યતિથિએ પુણેમાં યોજાયેલા પુરસ્કાર સમારંભ દરમ્યાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભારતના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલને લોકમાન્ય ટિળક નૅશનલ અવૉર્ડ એનાયત કર્યો હતો. એ દરમ્યાન અમિત શાહે તેમની અજિત ડોભાલ સાથે થયેલી પહેલી મુલાકાતને વાગોળી હતી અને તેઓ તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા એમ પણ જણાવ્યું હતું. 

લોકમાન્ય ટિળક મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સમારોહમાં અમિત શાહે પાકિસ્તાનમાં વર્ષો સુધી જાસૂસી કરનારા તથા કંદહાર કાંડ દરમ્યાન પ્લેનને હાઇજૅક કરનારાઓ સાથે વાટાઘાટો કરીને સફળતાપૂર્વક ૧૮૯ પ્રવાસીઓને બચાવનારા અજિત ડોભાલને અવૉર્ડ આપ્યો ત્યારે તેમનાં ખૂબ વખાણ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દરમ્યાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. 

અજિત ડોભાલને કારણે દેશમાં બૉમ્બબ્લાસ્ટના ૧૩ કેસ ઉકેલાયા : અમિત શાહ
અમદાવાદમાં ૨૦૦૮માં બૉમ્બબ્લાસ્ટ થયા એ કેસ ઉકેલવા માટે પહેલી વખત અજિત ડોભાલને મળ્યા હોવાનું જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે ‘હું ત્યારે ગુજરાતનો ગૃહપ્રધાન હતો અને નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ મને અજિત ડોભાલને મળવાની અને તેમની સાથે તપાસ-એજન્સીઓના અધિકારીઓની બેઠક યોજવાની સલાહ આપી હતી. તે બપોરના સમયે મને મળવા આવ્યા અને તેમણે જે સલાહ અને સૂચનો આપ્યાં એનાથી અમદાવાદ બ્લાસ્ટ જ નહીં, ગુજરાત પોલીસે દેશમાં થયેલા ૧૩ બૉમ્બબ્લાસ્ટના કેસ ઉકેલ્યા.’

પોતાના હિતને નહીં, દેશહિતને પ્રાથમિકતા આપો : અજિત ડોભાલ
હાલમાં જ થયેલા જેન-ઝી આંદોલનનો આડકતરી રીતે ઉલ્લેખ કરતાં અજિત ડોભાલે દેશના યુવાનોને પુરસ્કાર સમારોહ દરમ્યાન સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે યુવાનોએ પોતાના નહીં પરંતુ દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ. થોડા અને ટૂંકા ગાળાના લાભો પ્રત્યે ધ્યાન ન આપવું જોઈએ એવી સલાહ અજિત ડોભાલે પુરસ્કાર સમારોહ દરમ્યાન પોતાના સંબોધનમાં આપી હતી. હમણાં આપણા દેશ પાસે આશાનું એક કિરણ છે અને આપણે આ તકને ગુમાવી ન શકીએ, યુવાનોની પ્રાથમિકતા હાલ દેશને ઊભો કરવાની હોવી જોઈએ એમ તેમણે કહ્યું હતું. 

એક ધુરંધરને અવૉર્ડ આપવા પધાર્યા બીજા ધુરંધર : દેવેન્દ્ર ફડણવીસ 
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ કાર્યક્રમ દરમ્યાન અજિત ડોભાલ અને અમિત શાહ બન્નેની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘એક ધુરંધરને પુરસ્કાર આપવા માટે બીજા ધુરંધર પધાર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ચાણક્ય તરીકે જે ઓળખાય છે તેમને પુરસ્કાર આપવા માટે રાજકીય ક્ષેત્રના ચાણક્ય આવ્યા હોય એ એક દુર્લભ યોગ છે.’

પુણેમાં કૉન્ગ્રેસ અને વંચિત બહુજન આઘાડી દ્વારા અમિત શાહને કાળા વાવટા બતાવાયા

લોકમાન્ય ટિળક મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા લોકમાન્ય ટિળકની પુણ્યતિથિ પર આયોજિત કરાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પુણે આવ્યા હતા. એ વખતે કૉન્ગ્રેસ અને વંચિત બહુજન આઘાડીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ કાળા વાવટા ફરકાવીને તેમની વિરુદ્ધ આંદોલન કર્યું હતું. દિલ્હીમાં વિદ્યાર્થી-આંદોલન દરમ્યાન પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને વિદ્યાર્થીઓ વિરુદ્ધ લેવાયેલી ઍક્શનને વખોડી કાઢવા કૉન્ગ્રેસ અને વંચિત બહુજન આઘાડી દ્વારા આ વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક આંદોલનકારીએ પકડેલા પ્લૅકાર્ડમાં લખ્યું હતું કે શિક્ષણ માગીતલ હોત ભાઉ, શિક્ષા નાહી. જોકે પોલીસે ત્યાર બાદ આંદોલન કરી રહેલા કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરી હતી.

mumbai news amit shah pune news pune maharashtra government maharashtra news maharashtra devendra fadnavis vanchit bahujan aghadi congress