14 September, 2026 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સહ્યાદ્રિ ગેસ્ટ-હાઉસમાં અમિત શાહ સાથે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ભારતને ભ્રષ્ટાચાર, જાતિવાદ અને પરિવારવાદનાં દૂષણોમાંથી મુક્ત કરીને પર્ફોર્મન્સ પૉલિટિક્સના એક નવા યુગનો પ્રારંભ કર્યો છે.
વડા પ્રધાનના જન્મદિવસ અને ગુજરાત તથા કેન્દ્રમાં તેમના શાસનનાં પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઑક્ટોબર દરમ્યાન યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ની જાહેરાત કરવા માટે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં મુંબઈમાં અમિત શાહે સંબોધન કર્યું હતું.
આ દેશવ્યાપી ઝુંબેશનો મુદ્રાલેખ ‘જન સેવા હી પ્રભુ સેવા’ રાખવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી એક મહિના સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને એક પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યમાં સામાન્ય નાગરિકોની સક્રિય ભાગીદારી વધારવાનો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જણાવ્યું હતું કે લૅબ-ગ્રોન ડાયમન્ડ એટલે કે પ્રયોગશાળામાં બનતા હીરાની સમગ્ર ઇકો-સિસ્ટમ પર ભારતીયોનું નિયંત્રણ હોવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ભારત પાસે આ ક્ષેત્રમાં અગ્રેસર રહેવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાઓ ઉપલબ્ધ છે.
મુંબઈમાં આયોજિત બાવનમા ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી અવૉર્ડ્સ સમારોહમાં સંબોધન કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે વૉલ્યુમની દૃષ્ટિએ લૅબ-ગ્રોન હીરાનું માર્કેટ વર્તમાન ડાયમન્ડ માર્કેટ કરતાં લગભગ ૫૦ ગણું મોટું થવાની શક્યતા છે જે ભારત માટે એક વિશાળ તક સમાન છે.
અમિત શાહે ઉદ્યોગજગતને આહવાન કર્યું હતું કે મશીનરીના ઉત્પાદનથી લઈને રફ હીરા બનાવવા, જ્વેલરીનું નિર્માણ કરવું, વૈશ્વિક બ્રૅન્ડ્સ વિકસાવવી અને વિશ્વભરમાં ભારતીય કંપનીઓના શોરૂમ ખોલવા સુધીની સમગ્ર સપ્લાય-ચેઇન મજબૂત રીતે ભારતીયોના નિયંત્રણ હેઠળ રહેવી જોઈએ.
ભારતનો વિશ્વ સાથેનો રત્ન અને ઝવેરાતનો વેપાર લગભગ ૬૦૦૦ વર્ષ જૂનો છે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશ પાસે નવી ટેક્નૉલૉજી, મૂડી, પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સક્ષમ ઉદ્યોગ-સાહસિકો ઉપલબ્ધ છે.