31 August, 2025 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે સપરિવાર લાલબાગચા રાજાનાં અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે જઈને ગણપતિબાપ્પાનાં દર્શન કર્યાં હતાં.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે સપરિવાર લાલબાગચા રાજાનાં અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે જઈને ગણપતિબાપ્પાનાં દર્શન કર્યાં હતાં. એ ઉપરાંત તેમણે બાંદરા-વેસ્ટમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ગણપતિનાં દર્શન પણ કર્યાં હતાં. દેવેન્દ્ર ફડણવીસે તેમને શાલ, શ્રીફળ અને ગણેશમૂર્તિ ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. એ વખતે તેમની સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, સાંસ્કૃતિક ખાતાના પ્રધાન અને મુંબઈ સબર્બ્સના પાલક પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલાર, કેન્દ્રના વેપાર અને રાજશિષ્ટાચાર પ્રધાન જયકુમાર રાવલ, રાજ્યના કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલ પ્રભાત લોઢા, વિધાનસભ્ય અને મહારાષ્ટ્ર BJPના અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણ, મુંબઈના BJPના અધ્યક્ષ અમીત સાટમ અને અન્ય પદાધિકારીઓ હાજર હતા.
અમિત શાહને ગુજરાત લઈ જનારું પ્લેન ખોટકાયું, એકનાથ શિંદેએ પોતાનું વિમાન તેમને આપ્યું
મુંબઈની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું. BJPના ચીફ સેક્રેટરી વિનોદ તાવડે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે તેમણે અનામતના મુદ્દે પણ ચર્ચા કરી હતી. એ પછી લાલાબાગચા રાજાનાં દર્શન અને ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા પર પણ જઈને ગણપતિનાં દર્શન લીધાં હતાં. એ પછી તેઓ સપરિવાર ગુજરાત જવા નીકળ્યા હતા. જોકે ઍરપોર્ટ પહોંચ્યા પછી તેમને જાણ થઈ કે તેમના સરકારી વિમાનમાં ટેક્નિકલ ફૉલ્ટ આવ્યો છે એટલે એ ઉડાન ભરી શકે એમ નથી. એ વખતે તેમની સાથે હાજર એકનાથ શિંદેએ તેમનું પ્લેન અમિત શાહને ગુજરાત જવા ફાળવી આપ્યું હતું. મૂળમાં એકનાથ શિંદે એ પ્લેનમાં પુણે જવાના હતા, પણ જેવી ખબર પડી કે અમિત શાહના પ્લેનમાં સમસ્યા થઈ છે એટલે તરત જ તેમણે પોતાનું પ્લેન તેમને ઑફર કર્યું હતું. એ પછી અમિત શાહ એ પ્લેનમાં બેસીને સપરિવાર ગુજરાત જવા રવાના થયા હતા.