અમિતાભ બચ્ચનના ઘરની બહાર સિવિલ ડ્રેસમાં સિક્યૉરિટી

03 November, 2025 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેગાસ્ટાર પર ખાલિસ્તાની ગ્રુપ તરફથી ખતરો હોવાના અહેવાલ વચ્ચે બંગલાની બહાર સાદાં કપડાંમાં પોલીસ-ઑફિસર્સ દેખાયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

‘કૌન બનેગા કરોડપતિ ૧૭’ના એપિસોડમાં સિંગર દિલજિત દોસાંઝ અમિતાભ બચ્ચનને પગે પડ્યો હતો એને કારણે ખાલિસ્તાની આતંકવાદી ગ્રુપ સિખ્સ ફૉર જસ્ટિસ (SFJ)એ સિંગર તેમ જ બિગ બી બન્નેને ધમકી આપી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. SFJએ દિલજિતે અમિતાભ બચ્ચનના ચરણસ્પર્શ કર્યા એની ટીકા કરી હતી. આને કારણે હવે ભારતની સેન્ટ્રલ એજન્સીઓ અમિતાભ બચ્ચનની સિક્યૉરિટીની તપાસ કરી રહી છે. એક અહેવાલ પ્રમાણે સેન્ટ્રલ એજન્સીઓને ભય છે કે બૉલીવુડના આ મેગાસ્ટાર પર હુમલો થઈ શકે છે.

મુંબઈ પોલીસે પણ અત્યારની પરિસ્થિતિ અને અમિતાભ બચ્ચની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના બંગલા પર બહાર સુરક્ષાને વધારે સઘન કરી દીધી હતી એટલું જ નહીં, બચ્ચનના બંગલાની બહાર પોલીસ-ઑફિસર્સ સિવિલ ડ્રેસમાં ફરતા જોવા મળ્યા હતા.

શું છે આખો વિવાદ?

આ આખો વિવાદ ૧૯૮૪ના સિખ વિરોધી રમખાણો સાથે જોડાયેલો છે. SFJનો આરોપ છે કે દિલજિત દોસાંઝે અમિતાભ બચ્ચનને પગે લાગીને ૧૯૮૪નાં રમખાણોના પીડિતોનું અપમાન કર્યું છે. SFJનો એવો પણ આરોપ છે કે અમિતાભ બચ્ચને એ સમયે હિંસા ભડકાવવામાં ભૂમિકા ભજવી હતી.

amitabh bachchan mumbai police juhu kaun banega crorepati diljit dosanjh mumbai mumbai news