06 October, 2026 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગીત ‘ડોન્ટ સ્ટૉપ મારી મહિસાગર`માં અમૃતા ફડણવીસ
નવરાત્રિ એટલે એક એવો તહેવાર જેની આખા વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોવાય છે. દેવી દુર્ગાની નવ-દિવસીય ઉપાસનાનું આ પર્વ અતિ ઉત્સાહ ઊજવવામાં આવે છે. ખાસ તો ગરબા આ તહેવારનો પર્યાય બની ગયા છે. દર વખતે નવા નવા ગરબા અને નવરાત્રિના વિશેષ ગીતો રીલીઝ થાય છે, જે પછી દરેક સેલિબ્રેશન માટે પ્રેક્ષકોના હૃદયમાં સ્થાન બનાવી લેતા હોય છે. નવરાત્રિમાં આ વખતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અને જાણીતાં ગાયિકા અમૃતા ફડણવીસનું ગુજરાતી ટચ સાથેનું ગીત ‘ડોન્ટ સ્ટૉપ મારી મહિસાગર` બાજી મારી જાય એવું લાગી રહ્યું છે.
આ અગાઉ મરાઠી, બંજારા, પંજાબી, સંસ્કૃત અને હિન્દી ભાષામાં ગીતો ગાઈ ચૂકેલાં અમૃતા ફડણવીસે આ ગીત સાથે પ્રથમ વાર ગુજરાતી ભાષામાં હાથ અજમાવ્યો છે. આ ગીત જાણીતા પરંપરાગત ગુજરાતી લોકગીત ‘મારી મહીસાગરને આરે’નું આધુનિક રીઇમૅજિનેશન છે. ગરબા રમતી વખતે જોમ અને ઉત્સાહ જાળવી રાખવા માટે યુવાનોમાં જાણીતા બનેલા શબ્દપ્રયોગ ‘ડોન્ટ સ્ટૉપ’નો એમાં આધુનિક ટ્વિસ્ટ ઉમેરવામાં આવ્યો છે.
આ ગીતને ‘જેડા નશા’ ગીતથી પ્રખ્યાત થયેલા બૅન્ડ ફરીદકોટ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ મ્યુઝિક-વિડિયોમાં અમૃતા ફડણવીસ સાથે ફરીદકોટ બૅન્ડના રાજર્ષિ સાન્યાલ અને આઇ.પી. સિંહ પણ સ્ક્રીન પર નજરે પડે છે. આ ટ્રૅકનું લેખન અને દિગ્દર્શન શક્તિ હસીજા દ્વારા કરવામાં આવ્યું છે અને એને અમૃતા ફડણવીસની સત્તાવાર યુટ્યુબ ચૅનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. પૅરામૅક્સ સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત આ ગીત જેનેસિસ વેવ્ઝની પ્રસ્તુતિ છે.
બૅન્ડ ફરીદકોટે જણાવ્યું હતું કે ‘અમૃતાજી મૂળ ગુજરાતીભાષી ન હોવા છતાં તેમણે જે રીતે ગીતના ગુજરાતી શબ્દો ઝડપથી પકડી લીધા એ આશ્ચર્યજનક હતું. અમે સેટ પર ડાયલેક્ટ એક્સપર્ટને પણ સ્ટૅન્ડબાય રાખ્યા હતા, પરંતુ તેમણે કોઈ વધારાની મદદ વગર જ સાચા ટોન, અૅક્સેન્ટ અને ઉચ્ચારો સાથે ગીત ગાઈને પ્રભાવિત કર્યાં હતાં.’
પોતાના આ નવા અનુભવ વિશે વાત કરતાં અમૃતા ફડણવીસે જણાવ્યું હતું કે ‘વર્ષોથી મને વિવિધ નવરાત્રિ કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવતી રહી છે, પરંતુ લોકોની વચ્ચે જઈને ગરબા રમવાની તક ક્યારેય મળી નહોતી. એથી જ્યારે આ તક સામે આવી ત્યારે હું ખૂબ ઉત્સાહિત હતી, કારણ કે એનાથી મને ભારતની એક જીવંત નૃત્યપરંપરાને નજીકથી માણવાનો મોકો મળ્યો. પર્ફોર્મન્સ પહેલાં મેં દુર્ગા માતાના આશીર્વાદ લીધા હતા અને માની શક્તિનો સાક્ષાત્કાર થયો હોય એવી અનુભૂતિ પણ મને થઈ હતી.’
વિડિયોમાં અમૃતા ફડણવીસ હાઈ-ઇન્ટેન્સિટી ડાન્સ-સ્ટેપ્સ અને જટિલ ગરબા-મૂવ્સ કરતાં જોવા મળે છે જે દર્શાવે છે કે તેઓ પોતાની સોશ્યલ-પૉલિટિકલ ઓળખથી આગળ વધીને એક સંપૂર્ણ કલાકાર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી રહ્યાં છે. પોતાના પૅશનને જાળવી રાખીને દર્શકોના કલ્ચરને અપનાવીને અમૃતા ફડણવીસે લોકો સાથે એક અનોખું કનેક્શન બનાવ્યું છે.
ગીતનું નામ : ડોન્ટ સ્ટૉપ મારી મહીસાગર
ગાયક: અમૃતા ફડણવીસ, આઇ.પી. સિંહ
અભિનય: અમૃતા ફડણવીસ,
આઇ.પી. સિંહ, રાજર્ષિ સાન્યાલ
સંગીતકાર: ફરીદકોટ
ગીતકાર: ફરીદકોટ, શક્તિ હસીજા
દિગ્દર્શક: શક્તિ હસીજા
નિર્માતા: પૅરામૅક્સ સ્ટુડિયોઝ
પ્રસ્તુતિ: જેનેસિસ વેવ્ઝ
પ્લૅટફૉર્મ: યુટ્યુબ