મૈંને તો દિયા જલા દિયા, આપ લોગ કબ જલા રહે હો

20 September, 2026 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીના ફોટો પર હાર ચડાવીને આવી વાંધાજનક પોસ્ટ કરનારા યુવક સામે થાણેમાં FIR નોંધાયો : સાઇબર સેલે પોસ્ટ ડિલીટ કરાવી

પ્રતીકાત્મક તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પર હાર ચડાવીને વાંધાજનક કૅપ્શન સાથે સોશ્યલ મીડિયા પર વાઇરલ કરનાર રાજકપૂર યાદવ સામે થાણેની ચિતળસર પોલીસે ગઈ કાલે ફરિયાદ નોંધી હતી. આ મામલે ૪૩ વર્ષના સ્થાનિક વ્યવસાયી અને સામાજિક કાર્યકર જિતેન્દ્ર મઢવીએ પોલીસ-સ્ટેશનમાં હાજર થઈને કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ફેસબુક પર નરેન્દ્ર મોદીની બદનામી કરતી આ પોસ્ટ વાઇરલ થયા બાદ થાણે વિસ્તારના ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો અને સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ચિતળસર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાતે ૯ વાગ્યે રાજકપૂર યાદવે ફેસબુક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો પર હાર ચડાવેલી તસવીર શૅર કરી હતી. એની સાથે તેણે કૅપ્શનમાં લખ્યું હતું કે ‘મૈંને તો દિયા જલા દિયા, આપ લોગ કબ જલા રહે હો.’ આ પોસ્ટ બાદ BJPના સ્થાનિક કાર્યકરોએ ફેસબુક અકાઉન્ટ પર વાઇરલ આ પોસ્ટ અને એનો સ્ક્રીનશૉટ લઈને કલર પ્રિન્ટઆઉટ પુરાવા તરીકે અમારી પાસે સોંપી હતી. આ મામલે જિતેન્દ્ર મઢવીની ફરિયાદના આધારે અમે રાજકપૂર યાદવ વિરુદ્ધ વડા પ્રધાનની બદનામી કરવા અને સમાજમાં ભ્રમ ફેલાવવા બદલ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત તાત્કાલિક સાઇબર સેલની મદદથી ફેસબુક યુનિફૉર્મ રિસોર્સ લોકેટર (URL)ની તપાસ કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં અમે ફેસબુકના નોડલ ઑફિસરને પત્ર આપીને પોસ્ટ ડિલીટ કરી દીધી છે.’

mumbai news mumbai thane crime thane narendra modi social media