ગુજરાતી મહિલાની દિવાળીની રોનક પાછી લાવ્યો ઈમાનદાર રિક્ષાવાળો

24 October, 2022 09:12 AM IST  |  Mumbai | Rohit Parikh

ખરીદી કરતી વખતે રસ્તા પર પડી ગયેલું ૨૫,૦૦૦ રૂપિયા ભરેલું પર્સ રિક્ષા-ડ્રાઇવરે તેમના ઘરે પહોંચાડ્યું રાેહિત પરીખ

ઘાટકોપરના ગુજરાતી બિઝનેસમૅનની પત્નીના રસ્તા પર પડી ગયેલું પર્સ પાછું આપી રહેલો રિક્ષા-ડ્રાઇવર.

ઘાટકોપરની એક ગુજરાતી મહિલા ગઈ કાલે ઘાટકોપર-ઈસ્ટના એક સ્ટોરમાં દિવાળીનો નાસ્તો અને ફ્રૂટ્સ લેવા ગઈ હતી. આ સમયે તેના હાથમાંનું પર્સ સરકીને રસ્તા પર પડી ગયું હતું. જોકે આ મહિલાને આ વાતની જાણ નહોતી. આ મહિલા જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે પર્સ ન મળતાં તે ટેન્શનમાં આવી ગઈ હતી, પરંતુ એક રિક્ષા-ડ્રાઇવરે તેના ઘરે જઈને તેનું ગુમ થયેલું પર્સ તેને સોંપી દેતાં તે ફરી દિવાળીની ઉજવણીના મૂડમાં આવી ગઈ હતી.
હું ઘાટકોપર-ઈસ્ટના ટિળક રોડ પર આવેલા ડ્રાયફ્રૂટ્સ અને ફરસાણના સ્ટોર પાસે ઊભો હતો ત્યારે મારી નજર રસ્તા પર પડેલા એક પર્સ પર ગઈ હતી એમ જણાવીને ઘાટકોપરના રિક્ષા-ડ્રાઇવર શિવાજી ઘાડગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં પર્સ ખોલીને જોયું તો એમાં રોકડા રૂપિયા હતા. મને થયું કે જેનું પર્સ પડી ગયું હશે એ મહિલા અત્યારે ખૂબ જ ટેન્શનમાં હશે. તરત મેં તે મહિલાનો નંબર કે ઍડ્રેસ મળી જાય  એ માટે પર્સ ખોલીને જોયું હતું. મને પર્સમાંથી તે મહિલાનું આધાર કાર્ડ મળ્યું હતું. હું તરત જ ઘાટકોપર-ઈસ્ટના મહાત્મા ગાંધી રોડ પરના તે મહિલાના નિવાસસ્થાને પહોંચી ગયો હતો. તેને પર્સ આપ્યું ત્યારે તે મહિલાના ચહેરા પરનું સ્મિત જોઈને મારી દિવાળીની ઉજવણી ત્યારે જ કરી રહ્યો હોઉં એવો મને અહેસાસ થયો હતો. આ મહિલાના  પરિવારે મને ૧૫૦૦ રૂપિયા અને મીઠાઈનું પૅકેટ ગિફ્ટ તરીકે આપ્યાં હતાં.’
રિક્ષા-ડ્રાઇવરે જેવું મારી પત્નીના હાથમાં પર્સ આપ્યું કે મારી પત્નીના જીવમાં જીવ આવી ગયો હતો એમ જણાવીને ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા ચેતન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પત્ની ગઈ કાલે બપોરે તિલક રોડ પર આવેલા એક સ્ટોરમાં દિવાળીના નાસ્તા લેવા ગઈ હતી. તેના હાથમાં પર્સ અને નાસ્તાની થેલીઓ હતી. તે સ્ટોરમાં પેમેન્ટ કરી બહાર નીકળીને બાજુમાં આવેલા ફ્રૂટવાળા પાસે ફ્રૂટ્સ લેવા ગઈ હતી. ફ્રૂટવાળાનું પેમેન્ટ કર્યા પછી તેના હાથમાં રહેલું પર્સ નાસ્તા અને ફ્રૂટ્સની થેલીઓ પકડવામાં સરકીને રોડ પર પડી ગયું હતું. થોડી વાર પછી રિક્ષા-ડ્રાઇવર શિવાજી ઘાડગેની તેના પર્સ પર નજર ગઈ હતી. તેણે ખોલીને જોયું તો એમાં ૨૫,૦૦૦ રૂપિયા રોકડા, બીજા પૈસા તથા આધાર કાર્ડ હતાં. આધારા કાર્ડ પરના ઍડ્રેસના આધારે તે મારા મહાત્મા ગાંધી રોડ પર આવેલા ઘરે પહોંચ્યો હતો અને મારી પત્નીને તેનું પર્સ પાછું આપી દીધું હતું. ત્યાં સુધી મારી પત્ની ખૂબ જ ટેન્શનમાં હતી, પરંતુ પર્સ પાછું મળી જતાં તેના ચહેરા પર દિવાળીની ચમક આવી ગઈ હતી.’

Mumbai mumbai news rohit parikh