માબાપની જરૂરિયાત પૂરી પાડશો તો જ તેમની મિલકત મેળવી શકશો

12 May, 2026 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિલકત લઈને મા-બાપને તરછોડનારાં સંતાનોને ચેતવણીરૂપ હાઈ કોર્ટનો ચુકાદો

કોર્ટે ટકોર કરી હતી કે માત્ર ભરણપોષણ આપીને કોઈ સંતાન માતા-પિતાની આજીવન મૂડી હડપી શકે નહીં.

માતા-પિતા દ્વારા સંતાનોને આપવામાં આવતી મિલકતની ગિફ્ટ કરતી વખતે કે ટ્રાન્સફર કરતી વખતે એક ગર્ભિત શરત માન્ય રાખવી પડશે. સંતાનોએ તેમની સંભાળ રાખવી પડશે. બૉમ્બે હાઈ કોર્ટે એક આદેશ આપતાં સ્પષ્ટ કર્યું છે કે જો સંતાન મૂળભૂત સુવિધાઓ પૂરી ન પાડે તો સિનિયર સિટિઝન ટ્રિબ્યુનલ આવી પ્રૉપર્ટીની ટ્રાન્સફર રદ કરી શકે છે.

સાંગલીની ૪૬ વર્ષની એક વ્યક્તિએ તેની ૬૭ વર્ષની સિનિયર સિટિઝન મમ્મી દ્વારા મિલકતનો હક જતો કરવાના દસ્તાવેજો રદ કરવાના ટ્રિબ્યુનલના આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. પિતાના મૃત્યુ બાદ માતાએ પુત્રના નામે મિલકત કરી આપી હતી, પરંતુ પુત્રએ માતાની સંભાળ લેવાને બદલે મિલકતનો કેટલોક હિસ્સો પોતાની પત્નીને આપી દીધો હતો. આથી ટ્રિબ્યુનલે માતાની અરજીને પગલે પ્રૉપર્ટીના દસ્તાવેજો રદ કરી પુત્રને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા ભરણપોષણ ચૂકવવા આદેશ આપ્યો હતો.

કોર્ટે નોંધ્યું હતું કે ભલે દસ્તાવેજમાં સ્પષ્ટ શરત ન લખી હોય તો પણ સંતાનોએ માતા-પિતાની જરૂરિયાતો અને સુવિધાઓનું ધ્યાન રાખવું એ કાયદેસરની ફરજ છે. જો મિલકત લીધા પછી સંતાન જવાબદારી ન નિભાવે તો એ વ્યવહાર છેતરપિંડી કે દબાણ હેઠળ થયેલો ગણવામાં આવશે અને એને રદ કરી શકાશે.

mumbai news mumbai bombay high court property tax real estate