✕

બૉલીવુડના ઍક્ટરોને લૉરેન્સ બિશ્નોઈના નામે ડરાવી રહ્યો હતો બૅન્ગલોરનો IT એન્જિનિયર

05 November, 2026 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષ્માન અને તુષારને ધમકી આપનારા વૈભવ મિશ્રાની મુંબઈ પોલીસે ધરપકડ કરી

બૉલીવુડ ઍક્ટર્સ આયુષ્માન ખુરાના અને તુષાર કપૂર

બૉલીવુડ ઍક્ટર્સ આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને કુખ્યાત લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના નામે ધમકી આપીને કરોડો રૂપિયાની ખંડણી માગવાના ચકચારી કેસમાં મુંબઈ પોલીસે બુધવારે બૅન્ગલોરથી વૈભવ મિશ્રા નામના એક IT એન્જિનિયરની ધરપકડ કરી છે. આરોપી ઍક્ટર્સને ધમકીભર્યા ઑડિયો-મેસેજ મોકલીને કરોડો રૂપિયાની માગણી કરતો હતો. પ્રાથમિક તપાસમાં એ ઑડિયો પૈકીનો એક મેસેજ બોગસ હોવાનું સામે આવ્યું હતું.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વૈભવ મિશ્રા પ્રોફેશનલ IT એન્જિનિયર છે. તે બિશ્નોઈ ગૅન્ગનો સભ્ય હોવાનો ઢોંગ રચીને તમામ સેલિબ્રિટીઝને લૉરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યા ઑડિયો-મેસેજ મોકલતો હતો. આરોપી છેલ્લા કેટલાક દિવસોથી બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝને સતત ધમકીઓ આપી રહ્યો હતો.

તાજેતરમાં જ ઍક્ટર આયુષ્માન ખુરાનાને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે સંબંધ હોવાનો દાવો કરતી એક વ્યક્તિ તરફથી ધમકીભર્યો ઑડિયો-સંદેશ મળ્યો હતો. એ મેસેજ મોકલનારે અભિનેતા પાસેથી કરોડો રૂપિયાની રકમ માગી હતી.

આ પહેલાં ઍક્ટર તુષાર કપૂરને પણ આવો જ એક ધમકીભર્યો ઑડિયો-કૉલ મળ્યો હતો જેમાં પોતાનું નામ હૅરી બૉક્સર જણાવીને તેણે બિશ્નોઈ ગૅન્ગના નામે તુષાર કપૂર પાસે પાંચ કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટેક્નિકલ તપાસમાં એ ઑડિયો-ક્લિપ બોગસ હોવાનું ખૂલ્યું હતું અને આખરે પોલીસે બૅન્ગલોર જઈને તેને ઝડપી લીધો હતો. 

mumbai news mumbai tusshar kapoor ayushmann khurrana lawrence bishnoi mumbai police