બોરીવલી-થાણે વચ્ચે નૅશનલ પાર્કમાંથી ભૂગર્ભ રોડ બનાવાશે

22 July, 2021 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રોડ બની ગયા બાદ એક કલાકનું અંતર ફક્ત ૧૫થી ૨૦ મિનિટમાં જ કાપી શકાશે

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના અબર્ન ડેવલપમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદેની દોરવણી હેઠળ હવે થાણે અને બોરીવલીને જોડતો અન્ડરગ્રાઉન્ડ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે જે અંતર કાપતાં હાલ એક કલાક જેટલો સમય લાગે છે એ કાપતાં માત્ર ૧૫થી ૨૦ જ મિનિટ લાગશે. વળી આ અન્ડરગ્રાઉન્ડ રોડ સંજય ગાંધી નૅશનલ પાર્કની નીચેથી બનાવવામાં આવી રહ્યો છે. પહેલાં આ પ્રોજેક્ટ એમએસઆરડીસીની પાસે હતો. એ હવે એમએમઆરડીએને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. 
થાણે અને બોરીવલીને જોડતા ૧૧.૮ કિલોમીટર રોડ સાથે ૧૦.૨૫ કિલોમીટરની ૩ લેનવાળી બે ટનલ બનાવવામાં આવશે, જે થાણેમાં ટીકુજીની વાડી અને બોરીવલી એક્સપ્રેસ હાઇવેને જોડશે. ૧૧,૨૩૫.૪૩ કરોડ રૂપિયાના ખર્ચે આ અન્ડરગ્રાઉન્ડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ અન્ડરગ્રાઉન્ડ રોડ માટે ૧૬.૫૪ હેક્ટર ખાનગી જમીન અને ૪૦.૪૬ હેક્ટર જમીન સંજય ગાંધી નૅશનલ પાર્કની ઉપયોગમાં લેવાશે. 
આ રોડ સંજય ગાંધી નૅશનલ પાર્કની હેઠળથી પસાર થવાનો હોવાથી એને બનાવવામાં વિશેષ કાળજી રાખવામાં આવશે. એમાં પાર્કની બાયો-ડાઇવર્સિટી જળવાઈ રહે અને ત્યાંનાં પશુ, પક્ષીઓ અને વનસ્પતિને નુકસાન ન પહોંચે એ મુખ્ય રહેશે.  આ પ્રોજેક્ટ માર્ચ ૨૦૨૨માં શરૂ થશે અને સાડાપાંચ વર્ષમાં પૂરો કરવામાં આવે એવી હાલ ગણતરી છે. 
આ પ્રોજેક્ટનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવી લેવાયો છે અને એને પર્યાવરણની મંજૂરી લેવામાંથી મુક્તિ અપાઈ છે. વળી પ્રોજેક્ટ માટે જમીન હસ્તગત કરવાનું પણ ચાલુ કરી દેવાયું છે.   

Mumbai news Mumbai