આનંદ પરાંજપેએ NCP સાથે છેડો ફાડીને શિવસેનાનો હાથ ઝાલ્યો

15 May, 2026 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આનંદ પરાંજપે તાજેતરમાં શિવસેનાના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા

આનંદ પરાંજપેએ સંસદસભ્ય શ્રીકાંત શિંદે, મહારાષ્ટ્ર કૅબિનેટના પ્રધાનો દાદા ભુસે અને ઉદય સામંતની હાજરીમાં શિવસેનામાં એન્ટ્રી કરી હતી.

આનંદ પરાંજપેએ ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં પોતાનાં બધાં પદ પરથી રાજીનામું આપી દઈને શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. શિવસેના સાથે જોડાયા એ પહેલાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આનંદ પરાંજપેએ હૈયાવરાળ ઠાલવી હતી. સાંજ સુધીના લાંબા સસ્પેન્સ બાદ સંસદસભ્ય શ્રીકાંત શિંદે તેમ જ મહારાષ્ટ્ર કૅબિનેટના પ્રધાનો દાદા ભુસે અને ઉદય સામંતની હાજરીમાં તેમણે સત્તાવાર રીતે શિવસેનામાં એન્ટ્રી કરી હતી. 

રાજીનામું આપ્યા બાદ તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે હું NCP સાથેની ૧૪ વર્ષની સફરનો આજે ખૂબ ભારે હૃદય સાથે અહીં જ અંત આણું છું અને એક નવી યાત્રા શરૂ કરવા માટે એક નવા માર્ગ પર પગલું ભરું છું.

આનંદ પરાંજપે તાજેતરમાં શિવસેનાના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા. તેઓ ઘણા સમયથી પક્ષમાં નારાજ હોવાનું કહેવાય છે. તેમણે વિધાનસભા, મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા પરિષદ-પંચાયત સમિતિની ચૂંટણીઓ દરમ્યાન પક્ષ દ્વારા તેમને સોંપવામાં આવેલી દરેક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે તેઓ વિધાનપરિષદમાં જવા ઉત્સુક હતા. એ પદ ન મળતાં તેમણે NCP સાથે છેડો ફાડ્યો હોવાનું માનવામાં આવે છે.

mumbai news mumbai political news maharashtra political crisis shiv sena nationalist congress party eknath shinde