19 November, 2025 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંધેરીમાં આવેલી વિશાલ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી.
અંધેરી-ઈસ્ટના એમ. વી. રોડ પર આવેલી વિશાલ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના મેમ્બરોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીને ૨૦ વર્ષથી બાકી રહેલા સોસાયટીના મેઇન્ટેનન્સના ૪૪,૦૬,૯૯૯ રૂપિયા ચૂકવવા માટેની માગણી કરતો પત્ર લખ્યો છે.
વિશાલ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીની ‘બી’ વિન્ગના ૨૦૧ નંબરના ફ્લૅટનો ઉપયોગ છેલ્લાં ૨૦ વર્ષથી મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) અને અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ACP) લેવલના અધિકારીઓ કરતા આવ્યા હોવાનું આ પત્રમાં જણાવવામાં આવ્યું છે. આ ફ્લૅટ પોલીસના કબજામાં હોવા છતાં બે દાયકાથી ફ્લૅટનું મેઇન્ટેનન્સ ચૂકવવામાં આવ્યું નથી. આ મામલે ‘મિડ-ડે’એ વેસ્ટ ઝોનના ઍડિશનલ પોલીસ-કમિશનર પરમજિત સિંહ દહિયાનો સંપર્ક કરીને વધુ માહિતી મેળવવાની કોશિશ કરી હતી, પણ તેમણે એ સંદર્ભે બોલવાનું ટાળ્યું હતું.
શું છે વિવાદ?
આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે પ્રભા રુણવાલના નામે રહેલો આ ફ્લૅટ મુંબઈ પોલીસના કબજામાં કેવી રીતે છે એના કોઈ ડૉક્યુમેન્ટ કે વિગત સોસાયટીના રેકૉર્ડમાં નથી. સોસાયટીને ખબર નથી કે ફ્લૅટના માલિક પાસેથી મુંબઈ પોલીસે આ ફ્લૅટ કેવી રીતે મેળવ્યો? ખરીદી કરી છે, રેન્ટ પર લીધો છે કે લાંબા ગાળાના લીઝ પર આપ્યો છે કે બીજી કોઈ રીતે હૅન્ડઓવર કર્યો છે? એને સંબંધિત કોઈ પણ જવાબ સોસાયટીને આપવામાં નથી આવ્યા.
શું કહે છે સોસાયટીના સેક્રેટરી?
વિશાલ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી પૃથ્વી મ્હસ્કેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે રજિસ્ટ્રાર વિભાગને અનેક વખત ફરિયાદ કરી છે, પણ પોલીસ વિભાગ વચ્ચે હોવાથી રજિસ્ટ્રાર વિભાગ કોઈ કાર્યવાહી કરતો નથી. હાલમાં આ ફ્લૅટમાં અંધેરી પોલીસ-સ્ટેશનના એક અધિકારી રહે છે. તેમની પાસે મેઇન્ટેનન્સ માગીએ તો તેઓ કહે છે કે મોટા અધિકારી પાસે મેઇન્ટેનન્સ ક્લિયર કરવાની સત્તા છે. અંતે હવે અમે કંટાળીને મુખ્ય પ્રધાન અને મુંબઈના પોલીસ-કમિશનરને પત્ર લખીને મેઇન્ટેનન્સ ક્લિયર કરવાની માગણી કરી છે. છેલ્લાં ૨૦ વર્ષથી આ ફ્લૅટનાં વૉટર-મિલ, ટૅક્સ, મેઇન્ટેનન્સ સહિતના તમામ ચાર્જિસ સોસાયટી ભોગવી રહી છે. જો હવે આનો નિવેડો નહીં આવે તો અમારે હાઈ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.’