પહેલાં લૉકડાઉન ને હવે વરસાદ વિલન

10 June, 2021 09:46 AM IST  |  Mumbai | Rohit Parikh

દાદરની હિન્દમાતા અને નવી મુંબઈની એપીએમસી માર્કેટના વેપારીઓમાં પ્રશાસનની નિષ્ક્રિયતા સામે આક્રોશ

એપીએમસીના દાણાબજારમાં ભરાયેલાં પાણી.

ચોમાસાના પહેલા જ વરસાદે ગઈ કાલે મુંબઈને જળબંબાકાર કરી દીધું હતું. એને પરિણામે ચારે બાજુ લોકોમાં મહાનગરપાલિકાની બેજવાબદારભરી નીતિ સામે ઊહાપોહ મચી ગયો હતો. જોકે સૌથી વધુ આક્રોશ દાદરની હિન્દમાતા ક્લોથ માર્કેટ અને નવી મુંબઈની એપીએમસી માર્કેટના વેપારીઓમાં હતો. હિન્દમાતા ક્લોથ માર્કેટના વેપારીઓએ કહ્યું હતું કે પહેલાં લૉકડાઉન અને એમાંથી બહાર આવવાની હજી અમે કોશિશ કરીએ એ પહેલાં વરસાદ અમારા બિઝનેસનો વિલન બનીને આવ્યો છે. 

હિન્દમાતાના વેપારીઓની વ્યથા
ગઈ કાલના વરસાદમાં હિન્દમાતા ક્લોથ માર્કેટની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતાં લૉકડાઉન વગર અમારા વેપારીઓએ બંધ પાળવાની નોબત આવી હતી એમ જણાવતાં હિન્દમાતા ક્લોથ માર્કેટના અગ્રણી દિનેશ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હિન્દમાતા માર્કેટ મુંબઈની સૌથી જૂની અને પ્રખ્યાત માર્કેટ છે જ્યાં રોજગારની ઊજળી તક છે. કપડાંનો બિઝનેસ હંમેશાં લગ્નસરા અને વેકેશનની સીઝન પર નિર્ભર હોય છે. સતત બીજા વર્ષે આ જ સમયે લૉકડાઉન હોવાથી હિન્દમાતાના વેપારીઓની કમર ભાંગી ગઈ છે. ઘણી દુકાનો બંધ થઈ ગઈ છે તો ઘણી દુકાનો ઑક્સિજન પર ચાલે છે. ગયા વર્ષના લૉકડાઉનની નુકસાનીમાંથી વેપારીઓ હજી બહાર નીકળી નથી શક્યા ત્યાં જ આ વર્ષે પણ સીઝનના સમયમાં કડક લૉકડાઉન લાગુ થતાં દુકાનો બંધ થઈ ગઈ હતી. ત્યાં દાઝ્યા પર ડામ સમાન વરસાદ આવ્યો. ગયા વર્ષે ચોમાસામાં હિન્દમાતાની દુકાનોમાં પાણી ભરાઈ જવાથી માલનું જબરું નુકસાન વેપારીઓએ ભોગવવું પડ્યું હતું. આ વખતે પહેલાં તાઉ-તે વાવાઝોડાને કારણે અને ગઈ કાલે પહેલા વરસાદમાં દુકાનોમાં પાણી ભરાઈ જતાં દુકાનદારો નુકસાનીમાં આવી ગયા છે.’ 

હિન્દમાતામાં ભરાયેલાં પાણી.

એપીએમસીના વેપારીઓનો રોષ
નવી મુંબઈની એપીએમસી માર્કેટ એશિયાની સૌથી મોટી માર્કેટ છે, પરંતુ સરકાર કે પ્રશાસન તરફથી કોઈ પણ જાતની પાયાની સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવી નથી. આ બાબતની આક્રોશભર્યા શબ્દોમાં માહિતી આપતાં ધી ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (ગ્રોમા)ના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈથી નવી મુંબઈ સ્થળાંતર કરતી વખતે વેપારીઓને મોટા-મોટા વાયદા કરવામાં આવ્યા હતા. ગઈ કાલે આવેલા પહેલા વરસાદમાં જ બજારમાં પાણી ભરાઈ ગયાં હતાં. વેપારીઓના સ્થળાંતરને લગભગ ૨૮ વર્ષનો સમય થઈ ગયો છે, પણ એપીએમસી પ્રશાસનને આ બાબતે અનેક વાર ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો. વેપારીઓની ફરિયાદો બહેરા કાને અથડાઈને પાછી ફરે છે. વેપારીઓની અનેક સમસ્યાઓ બાબતે એપીએમસીને અનેક વાર જાણકારી આપવા છતાં કોઈ સંતોષકારક હલ મળ્યો નથી. એપીએમસી તરફથી દર વર્ષે બજારમાં પાણી નહીં ભરાય એ મુજબના વાયદા કરવામાં આવે છે, પરંતુ દર વખતે બધા વાયદા ખોટા ઠર્યા છે.’ 

ભીમજી ભાનુશાલીએ વધુમાં કહ્યું હતું કે ‘ચોમાસા પહેલાં પ્રશાસન તરફથી ગટર સાફ કર્યા બાદ કચરો હજી જ્યાંનો ત્યાં જ પડ્યો છે. એક હજારથી પણ વધારે વાર આ બાબતે જણાવ્યા છતાં કોઈની ઊંઘ ઊડી નથી. બજારમાં પાણી ભરાયા બાદ એ પાણીનો નિકાલ કરવા માટેના પમ્પ જેવાં મામૂલી સાધનોનો પણ પ્રશાસન પાસે અભાવ છે. વેપારીઓ તરફથી દર વર્ષે કરોડો રૂપિયાની રકમ સેસ તરીકે ભરવામાં આવે છે. છતાં ગઈ કાલે બજારમાં પાણી ભરાયા બાદ ફોનમાં અનેક વાર ફરિયાદ કરવા છતાં સંબંધિત અધિકારીઓ તરફથી વેપારીઓને કોઈ સંતોષકારક પ્રત્યુત્તર મળ્યો નહોતો. બજારમાં પાણી ભરાઈ જવાથી વેપાર અને અન્ય કાર્યો થંભી જાય છે. આમ છતાં એપીએમસીને આ બાબતની સહેજ પણ પરવા નથી.’ 

ડોમ્બિવલીના સ્ટેશન રોડના વેપારીઓની ઉપાધિ વધી
ડોમ્બિવલી (ઈસ્ટ)માં ડ્રાયફ્રૂટ્સના વેપારી કેતન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે ત્યાં ગઈ કાલે ચોમાસાના પહેલા જ વરસાદમાં ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. અમારા રોડ પરની બધી જ દુકાનોમાં દોઢ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં.અમારા વિસ્તારમાં પાણીના નિકાલની સમસ્યા સૉલ્વ થાય એ પહેલાં જ સ્ટેશનોનાં પ્લૅટફૉર્મ અને બાઉન્ડરી ઊંચી કરવામાં આવતાં હવે પાણીના નિકાલની સમસ્યા વધી ગઈ છે. પ્રશાસને આ બાબતમાં ધ્યાન આપવાની જરૂર છે.’

mumbai mumbai news apmc market mumbai rains mumbai monsoon mumbai weather rohit parikh