સુપારી ફેલ, ડૉગી મળી ગયો

19 August, 2022 09:26 AM IST  |  Mumbai | Mehul Jethva

સોસાયટી સાથેના ઋણાનુબંધને લીધે ડૉગી ૧૨ દિવસ પછી પાછો આવ્યો : ભાઈંદરમાંથી ગુમ થયેલા ડૉગીને ઍનિમલ ઍક્ટિવિસ્ટોએ ભારે જહેમત લઈને ૪૭ કિલોમીટર દૂર ગોવંડીમાંથી શોધી કાઢ્યો

ગુમ થયેલા ડૉગીને શોધી કાઢનાર ઍનિમલ ઍક્ટિવિસ્ટોની ટીમ

ભાઈંદરમાં ગુજરાતી વસ્તી ધરાવતી સોસાયટીમાંથી એક ડૉગીને દૂર કરવા માટે પદાધિકારીઓએ એક રિક્ષા-ડ્રાઇવરને ૧૧,૦૦૦ રૂપિયા આપ્યા હતા. એની માહિતી ઍનિમલ ઍક્ટિવિસ્ટોને મળતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે પોલીસે પણ કોઈ ઍક્શન ન લેતાં ઍનિમલ ઍક્ટિવિસ્ટોએ ગુમ થયેલા ડૉગીને શોધી આપનાર વ્યક્તિને ૧૧,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાનું બૅનર છપાવીને વાઇરલ કર્યું હતું. એ પછી ગઈ કાલે એ બૅનર જોઈને ગોવંડીમાંથી એક યુવકે ઍનિમલ ઍક્ટિવિસ્ટોને માહિતી આપી હતી. ત્યાર બાદ એ પછી ડૉગીને ફરી એક વાર ત્યાંથી લાવીને ભાઈંદરની સોસાયટીમાં મૂકવામાં આવ્યું છે.

ભાઈંદર-વેસ્ટમાં ૬૦ ફુટ રોડ પર આવેલી રતનશ્રી સોસાયટીમાં રહેતી એક ડૉગી ૭ ઑગસ્ટે સાંજે એકાએક ગાયબ થયો હતો. એ પછી એ જ સોસાયટીમાં રહેતા ઍનિમલપ્રેમીઓએ એની શોધ કરતાં એ મળી આવ્યો નહોતો. અંતે વધુ તપાસ કરતાં ૭ ઑગસ્ટે વહેલી સવારે સોસાયટીના પદાધિકારીઓએ અસગર શેખ નામના રિક્ષા-ડ્રાઇવરને ડૉગી આપ્યો હોવાની માહિતી મળી હતી. એ પછી પદાધિકારીઓ તરફથી ડૉગીની કોઈ યોગ્ય માહિતી ન મળતાં ઍનિમલપ્રેમીઓએ પદાધિકારીઓની વિરુદ્ધમાં ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે ડૉગીની મૅટર પર પોલીસે કોઈ ધ્યાન ન આપતાં અંતે ઍનિમલ ઍક્ટિવિસ્ટોએ ડૉગીની તપાસ કરી હતી અને ડૉગી શોધી આપનારને ૧૧,૦૦૦ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. એ દરમ્યાન ગઈ કાલે વહેલી સવારે ભાઈંદરથી આશરે ૪૭ કિલોમીટર દૂર ગોવંડી વિસ્તારમાંથી ડૉગી મળી આવ્યો હતો. એને સોસાયટીમાં પાછો મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ડૉગીની સુપારી?

અમ્મા કૅર ફાઉન્ડેશન અને પ્લાન્ટ ઍન્ડ ઍનિમલ્સ વેલ્ફેર સોસાયટી, મુંબઈના પ્રમુખ સુનીશ સુબ્રમણ્યમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉગીમાં પણ જીવ હોય છે. એને પણ જીવવાનો એટલો જ અધિકાર છે. સોસાયટીના પદાધિકારીઓએ ખોટી રીતે રિક્ષા-ડ્રાઇવરની મદદ લઈને ડૉગીનું સ્થળાંતર કરાવ્યું હતું. અમે પહેલાં પોલીસ પાસે ફરિયાદ લઈને ગયા હતા. જોકે પોલીસે અમારી ફરિયાદ પર કોઈ ધ્યાન આપ્યું નહોતું. અંતે અમારી ટીમે જ ડૉગીની તપાસ કરી હતી. પહેલાં અમે રિક્ષા-ડ્રાઇવરની તપાસ કરી હતી. તેણે કહ્યું હતું કે ડૉગીને તેણે માનખુર્દમાં મૂક્યો છે. એ પછી અમારી ટીમે છેલ્લા ૧૦ દિવસમાં માનખુર્દ સાથે આસપાસના વિસ્તારોમાં ડૉગીની તપાસ કરી હતી. અમે ડૉગીના ફોટોવાળાં પોસ્ટરો છપાવીને એને શોધી આપનારને ૧૧,૦૦૦ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી હતી. આ પોસ્ટ અમે સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ કરી હતી. એ જોઈને ગઈ કાલે વહેલી સવારે મને એક યુવકનો ફોન આવ્યો હતો જેણે ગુમ થયેલી ડૉગીને ગોવંડીના એક એટીએમમાં જોયું હતું. એ પછી તેણે અમને એનો ફોટો પણ મોકલ્યો હતો. એ જોઈને રાત્રે અમારી ટીમ ગોવંડી જઈ ડૉગીને પોતાના તાબામાં લઈ એની મેડિકલ કરાવી ફરી એક વાર એના રહેઠાણ સોસાયટીમાં છોડ્યો હતો.’

mumbai mumbai news bhayander mehul jethva