કોથળામાં બિલાડી ને થયા રફુચક્કર

12 May, 2022 08:25 AM IST  |  Mumbai | Mehul Jethva

વિક્રોલીની એક સોસાયટીમાં દારૂ પીધેલા ત્રણ લોકો એક બિલાડીને થેલીમાં નાખીને લઈ ગયા હોવાનો વિડિયો ઍનિમલ ઍક્ટિવિસ્ટોને મળ્યો. તેમણે એની ફરિયાદ કરતાં પોલીસ અધિકારીઓ એની શોધમાં લાગ્યા

બિલાડીને સફેદ થેલીમાં ભરીને લઈ જતા આરોપીઓ

વિક્રોલી-ઈસ્ટમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ત્રણ લોકો દારૂ પીને સોસાયટી કમ્પાઉન્ડમાંથી એક બિલાડીને થેલીમાં મૂકીને કારમાં લઈ ગયા હોવાનો વિડિયો ઍનિમલ ઍક્ટિવિસ્ટોને મળ્યો હતો. એ વિશે તપાસ કરી બિલાડીને લઈ જનારા ત્રણ લોકોની માહિતી મેળવીને ઍનિમલ ઍક્ટિવિસ્ટોએ તેમની સામે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે બિલાડીને શોધવા માટે વિક્રોલી પોલીસ કામે લાગી છે. ગુનો નોંધવામાં આવ્યો છે, પણ આરોપીઓની હજી ધરપકડ કરવામાં આવી નથી.

પ્લાન્ટ્સ ઍન્ડ ઍનિમલ વેલ્ફેર સોસાયટીના સચિવ સુનિશ કુંજુએ આપેલી ફરિયાદ અનુસાર ભાંડુપમાં રહેતા એક ઍનિમલ ઍક્ટિવિસ્ટે તેમને એક વિડિયો મોકલ્યો હતો. એ અનુસાર પાંચમી મેએ રાતના ૧૦ વાગ્યે વિક્રોલીના કન્નમવાર નગર-૨ની વિંગ પૅરૅડાઇઝ સોસાયટીમાં ત્રણ લોકોએ સોસાયટીના કમ્પાઉન્ડમાં રમતી એક બિલાડીને મોટી સફેદ થેલીમાં ભરી હતી. એ પછી થેલીને ઉપરથી બાંધીને ત્યાં ઊભેલી કારમાં એને લઈ ગયા હતા. એ વિડિયો સામે આવતાં જેમણે આવું કર્યું હતું તેમની તપાસ કરતાં એ જ સોસાયટીમાં રહેતા હેમંત શાહ, જય લબડે, સુશાંત સાવંતે દારૂ પીને આ કામ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. એટલે તેમની સામે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પ્લાન્ટ ઍન્ડ ઍનિમલ વેલ્ફેર સોસાયટીના સચિવ સુનિશ કુંજુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્થાનિક ઍનિમલ ઍક્ટિવિસ્ટો એ વિડિયો લઈને પોલીસ પાસે ગયા હતા, પણ પોલીસે કોઈ ઍક્શન લીધી નહોતી. પછી હું ફરિયાદ કરવા ગયો ત્યારે મને ફરિયાદ કરવા માટે કલાકો સુધી બેસાડી રાખ્યો હતો. પોલીસ અધિકારીઓએ આરોપીઓને તાબામાં લઈને જે કારમાં ક્રાઇમ થયો એ જપ્ત કરવી જોઈએ અને બિલાડી તેમણે ક્યાં રાખી છે એની માહિતી લેવી જોઈએ. મારા અંદાજ પ્રમાણે એ લોકોએ બિલાડીને મારી દીધી છે.’

વિક્રોલી પોલીસ સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર શુભદા ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

mumbai mumbai news vikhroli viral videos mehul jethva