તમારા સંપર્કમાં છે એ વિધાનસભ્યોનાં નામ જાહેર કરો

29 June, 2022 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેનાના આદિત્ય ઠાકરે સહિતના નેતાઓ વારંવાર કહી રહ્યા છે કે ગુવાહાટીની હોટેલમાં પહોંચેલા ૨૦ વિધાનસભ્યો તેમના સંપર્કમાં છે એનો એકનાથ શિંદેએ જવાબ માગ્યો

તમારા સંપર્કમાં છે એ વિધાનસભ્યોનાં નામ જાહેર કરો

મુંબઈ : શિવસેનાના આદિત્ય ઠાકરે સહિતના નેતાઓ વારંવાર દાવો કરી રહ્યા છે કે ગુવાહાટીની હોટેલમાં એકનાથ શિંદે સાથેના ૨૦ વિધાનસભ્યો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સંપર્કમાં છે. એકનાથ શિંદેએ ગુવાહાટીની હોટેલની બહાર પત્રકારોને કહ્યું હતું કે ‘તેમણે આ વિધાનસભ્યોનાં નામ જાહેર કરવા જોઈએ. હોટેલમાં ૫૦ વિધાનસભ્યો છે અને તેઓ તેમની મરજીથી અહીં હિન્દુત્વને આગળ વધારવા અમારી સાથે આવ્યા છે. તેઓ અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
૨૨ જૂનથી ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં રોકાયેલા એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે સાથેના નેતાઓ તેમની સાથે હોટેલમાં અમારી સાથે રોકાયેલા પચાસમાંથી વીસ વિધાનસભ્યો સંપર્કમાં હોવાનો સતત દાવો કરી રહ્યા છે. જો તેમની વાતમાં તથ્ય હોય તો તેમણે નામ જાહેર કરવાં જોઈએ. અમે બાળાસાહેબ ઠાકરેના સપનાની શિવસેનાને આગળ વધારવા માટે અહીં એકત્રિત થયા છીએ. હિન્દુત્વતરફી અમારું વલણ રહેશે. આથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બધા વિધાનસભ્યો ખુશ હોવાની સાથે મજામાં છે. અહીં આવેલા બધા અંગત સ્વાર્થ માટે નહીં, પણ શિવસેનાને બચાવવા માટે આવ્યા છીએ.’
૨૨ જૂને ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં આવ્યા બાદ એકનાથ શિંદેએ ગઈ કાલે પહેલી વખત હોટેલના ગેટ પર આવીને પત્રકારો સાથે વાતચીત કરી હતી. 
ઉદ્ધવ ઠાકરેના પત્રનો શું અર્થ?
ઉદ્ધવ ઠાકરેએ બધા વિધાનસભ્યોને મુંબઈમાં સામે આવીને વાત કરવાનો પત્ર લખ્યા બાદ ગઈ કાલે મોડી સાંજે એકનાથ શિંદેએ ટ્વીટ કરીને આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને નિશાના પર લીધા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેને સંબોધીને ટ્વીટમાં લખ્યું હતું કે ‘એક તરફ તમારા પુત્ર અને પ્રવક્તા વંદનીય બાળાસાહેબના શિવસૈનિકોને ડુક્કર, નાળાની ગંદકી, ઘેટાં, કૂતરાં, જાહીલ અને મૃતદેહ કહેવાની સાથે તેમના બાપ પર જાય છે તો બીજી બાજુ માત્ર હિન્દુવિરોધી મહાવિકાસ આઘાડી સરકાર બચાવવા માટે આ જ વિધાનસભ્યોને સુલેહ કરવા માટેનું તમે આહવાન કરો છો. આનો શું અર્થ?’

mumbai mumbai news uddhav thackeray