આર્મીએ બદલી રણનીતિઃ સૌથી ઠંડી મોસમમાં ડોડા અને કિશ્તવાડમાં ઑપરેશનનો આરંભ

29 December, 2025 09:37 AM IST  |  Jammu and kashmir | Gujarati Mid-day Correspondent

જમ્મુમાં ૩૫થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ હોવાની બાતમી પછી સેના અલર્ટ

ડોડા અને કિશ્તવારમાં બરફની વચ્ચે પૅટ્રોલિંગ કરી રહેલા સેનાના જવાનો, શ્રીનગર-બારામુલ્લા નૅશનલ હાઇવે પર ઇન્ડિયન આર્મીના જવાનોએ કૉર્ડન ઍન્ડ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.

આર્મીએ પહેલી વાર ડોડા અને કિશ્તવાડમાં શિયાળામાં સૌથી વધારે ઠંડી પડે એવા ૪૦ દિવસના સમયગાળામાં ઘૂસણખોરોને રોકવા માટે ખાસ ઑપરેશન હાથ ધર્યું છે. જમ્મુ અને કાશ્મીરના સૌથી ઠંડા દિવસોમાં આતંકવાદી જૂથોને ખદેડી કાઢવાના ઉદ્દેશ્યથી ખીણો, મધ્ય-પર્વતીય વિસ્તારો અને ઊંચાઈવાળા વિસ્તારોમાં એકસાથે સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે. ૨૧ ડિસેમ્બરથી ૩૧ જાન્યુઆરી સુધીનો સમયગાળો સૌથી કઠોર શિયાળો છે અને આ સમયે બરફથી ઢંકાયેલા પર્વતો પર સુરક્ષા હાજરી વધારી દેવામાં આવી છે. આ સમયગાળા વખતે જ આતંકવાદીઓ ઘૂસણખોરી કરતા હોય છે અથવા છુપાઈ રહેતા હોય છે.

હાલના દિવસોમાં આર્મીની ટુકડીઓ ઊંચાઈવાળી પર્વતમાળાઓમાં આક્રમક રીતે પૅટ્રોલિંગ કરી રહ્યા છે જેથી આ વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓને આરામ કે આશ્રય ન મળે. આ સૈનિકોને શિયાળાના ખાસ ઇક્વિપમેન્ટ અને આધુનિક ટેક્નૉલૉજીથી સજ્જ શસ્ત્રો આપવામાં આવ્યાં છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસ (JKP), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ (SOG), વન રક્ષકો અને ગ્રામ્ય સંરક્ષણ રક્ષકો (VDGs) સાથેની સંકલિત કામગીરીનું નેતૃત્વ આર્મી કરી રહી છે. ગ્રાઉન્ડ યુનિટ્સ અને ગુપ્તચર નેટવર્ક વચ્ચેના સંકલનથી રિસ્પૉન્સ ટાઇમમાં ઘટાડો થયો છે, જેના કારણે ઝડપી કાર્યવાહી શક્ય બની છે.

હાલનો અંદાજ દર્શાવે છે કે જમ્મુ ક્ષેત્રમાં ૩૦થી ૩૫ સક્રિય આતંકવાદીઓ છે, જેમાંથી ઘણા પકડથી બચવા માટે ઊંચા અથવા મધ્ય પર્વતીય વિસ્તારોમાં ભાગી ગયા છે. સેના પાસે ડ્રોન-આધારિત ટેક્નૉલૉજી, ગ્રાઉન્ડ સેન્સર, સર્વેલન્સ રડાર, થર્મલ ઇમેજિંગ સાધનો અને માનવરહિત હવાઈ પ્રણાલીઓ સહિત નવી વિકસિત સિસ્ટમો પણ ઉપલબ્ધ છે.

mumbai news mumbai indian army jammu and kashmir indian government