આર્યન ખાનના છુટકારાનો આધાર એનસીબીની આજની દલીલો પર

28 October, 2021 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એના આધારે કોર્ટ નક્કી કરશે કે આરોપીઓના જામીન મંજૂર કરવા કે પછી તેમની કસ્ટડી વધારવી

ડ્રગ કેસમાં આર્યન ખાન તરફથી ગઈ કાલે મુંબઈ હાઈ કોર્ટમાં અપીઅર થવા આવી રહેલા ભારતના ભૂતપૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગી. અતુલ કાંબળે

ક્રૂઝ પર પાર્ટી કરવા ગયેલા આર્યન ખાન અને અન્ય લોકો સામે એનસીબીએ કરેલી કાર્યવાહીના સંદર્ભે થયેલા ડ્રગ કેસમાં આરોપીઓ દ્વારા કરાયેલી જામીનઅરજીમાં ગઈ કાલે બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ હવે આજે એનસીબી તરફથી સામે શું દલીલ કરવામાં આવે છે એના પર હવે બધાની નજર છે. એ દલીલોના આધારે કોર્ટ નક્કી કરશે કે આરોપીઓના જામીન મંજૂર કરવા કે પછી તેમની કસ્ટડી વધારવી. એથી આજે એનસીબી તરફથી રજૂઆત કરનાર ઍડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહ શું દલીલો કરે છે એના પર આ જામીનઅરજીનો દારોમદાર છે. 
 બૉમ્બે હાઈ કોર્ટમાં ન્યાયમૂર્તિ નીતિન સાંબરેની કોર્ટમાં ચાલી રહેલી ક્રૂઝ કેસના આરોપીઓની જામીનઅરજીની સુનાવણી ગઈ કાલે બપોર બાદના સેશનમાં આગળ વધી હતી. ગઈ કાલે અરબાઝ મર્ચન્ટ વતી તેના વકીલ અમિત દેસાઈએ દલીલ કરી હતી અને મુનમુન ધામેચા વતી અલી કાસિફ દેશમુખે રજૂઆત કરી હતી. બે કલાક ચાલેલી એ દલીલો બાદ જજ નીતિન સાંબરેએ કહ્યું હતું કે તેઓ આવતી કાલે (આજે) હવે એનસીબી વતી અનિલ સિંહ દ્વારા શું રજૂઆત કરાય છે એ સાંભળવા માગશે અને બની શકે તો આવતી કાલે એના પર નિર્ણય લેશે.
અરબાઝ મર્ચન્ટ વતી દલીલ કરતાં સિનિયર ઍડ્વોકેટ અમિત દેસાઈએ કહ્યું હતું કે ‘જે રીતે એનસીબી કહી રહી છે કે કાવતરું ઘડાયું છે એવી કોઈ શક્યતા જ નથી. જો એકબીજા સાથે સંકળાયેલી ન હોય એવી કોઈ ત્રણ વ્યક્તિ એક જ હેતુ માટે સાથે આવે તો એનો અર્થ કાવતરું ન કહી શકાય. તેઓ અમને માત્ર વૉટ્સઍપ ચૅટના આધારે કસ્ટડીમાં રાખવા માગે છે. એવી કોઈ જ વૉટ્સઍપ ચૅટ નથી જે કાવતરું કરાયું હોય એનું સમર્થન કરે. જો જામીન મંજૂર કરાશે તો પણ કંઈ તપાસ અટકી નહીં પડે. હું એમ કહું છે કે જ્યારે સજા જ એક વર્ષની છે તો પછી કસ્ટડીની જરૂર જ ક્યાં છે. મોબાઇલ ફોન જપ્ત કરાયા છે, પણ એનો પંચનામામાં ઉલ્લેખ જ નથી અને એના આધારે ડ્રગ ટ્રાફિકિંગ થઈ રહ્યું છે એવું અનુમાન લગાવાયું છે જે વાહિયાત છે. પંજાબ અને હરિયાણા અને બૉમ્બે હાઈ કોર્ટ પણ વૉટ્સઍપને માન્ય ગણતી નથી.’
અમિત દેસાઈએ અન્ય એક કેસમાં સેશન્સ કોર્ટે બે આરોપીઓને આપેલા જામીનને ટાંકીને દલીલ કરતાં કહ્યું હતું કે ‘ઓડિસાના એ બે યુવાનોને જામીન મંજૂર કરતાં જજ ભારતી ડોંગરેએ કહ્યું હતું કે તેમને સુધરવાની તક મળવી જોઈએ. જ્યારે તેમની પાસેથી તો ડ્રગ પણ મળી આવ્યું હતું. તેમની સામે પણ એનસીબીએ કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો જે રીતે હાલ આર્યન અને અરબાઝ સામે આરોપ મૂક્યો છે. ડ્રગ કન્ઝ્યુમ કરવાનો ઇરાદો રાખવો એ ગુનો ન બની શકે, કારણ કે એ માટેની મેડિકલ ટેસ્ટ થઈ જ નથી. અમને એ ગુના માટે પકડવામાં આવ્યા છે જે બન્યો જ નથી.’  

Mumbai mumbai news aryan khan Narcotics Control Bureau