આગની જ્વાળા વચ્ચે જાનૈયાઓ ઠારતા હતા પોતાના પેટની આગ

30 November, 2021 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભિવંડીમાં ફટાકડાને કારણે લગ્નના મંડપના કપડાને આગ લાગી હોવા છતાં ઘણા લોકોએ બેફિકર થઈને ‌મિજબાની માણી હતી. આ ઘટનામાં ૨૫ જેટલાં ટૂ-વ્હીલર આગમાં ખાખ થયાં

વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશૉટ

ભિવંડીના ખંડુપાડામાં આવેલા અન્સારી મૅરેજ-હૉલ નામના ઓપન ગ્રાઉન્ડમાં રવિવારે સાંજે એક લગ્ન હતાં ત્યારે બહાર ફોડવામાં આવી રહેલા ફટાકડાને કારણે આગ લાગી હતી અને અચાનક એ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે નવાઈની વાત એ હતી એક બાજુ આગની જ્વાળા લબકારા મારી રહી હતી ત્યારે બીજી બાજુ કેટલાક લોકોના પેટનું પાણીય હલ્યું નહોતું અને તેઓ શાંતિથી લગ્નનું ભોજન આરોગતા હતા.
ભિવંડીમાં ઘણી જગ્યાએ ખુલ્લામાં આ રીતે મંડપ બાંધીને મૅરેજ-હૉલ ઊભા કરી દેવાય છે. રવિવારે અન્સારી હૉલમાં લગ્ન લેવાઈ રહ્યાં હતાં અને લગ્નની ખુશીમાં બહાર ફટાકડા ફોડાતા હતા. એ દરમ્યાન એક ફટાકડો ઊડીને મંડપના કપડા પર પડતાં એમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ વધુ ભડકી હતી અને ત્યાં પાર્ક કરાયેલાં ૨૫ જેટલાં ટૂ-વ્હીલર એ આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. સદ્ભાગ્યે કોઈને ઈજા નહોતી થઈ. આગની જાણ ભિવંડી ફાયરબ્રિગેડ અને થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટને થઈ હતી અને થોડી જ વારમાં ૪ ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. બે કલાકની જહેમત બાદ આગ પર કન્ટ્રોલ કરી શકાયો હતો. અનેક જગ્યાએ પડદા લગાડીને કાચા મૅરેજ-હૉલ ઊભા કરી દેવાય છે, પણ સુરક્ષાનું કશું ધ્યાન રાખવામાં આવતું નથી એવા આક્ષેપ હાલમાં ભિવંડીવાસીઓ કરી રહ્યા છે.  

mumbai mumbai news viral videos bhiwandi