હાલપૂરતો મુંબઈ સહિત રાજ્યમાં વીજકાપ નહીં

13 October, 2021 10:40 AM IST  |  Mumbai | Dharmendra Jore

શહેરના વીજસપ્લાયર્સ પાસે પૂરતો સ્ટૉક : રાજ્યસંચાલિત પાવર સ્ટેશનમાં કોલસાની અછતનો દોષ કેન્દ્ર પર ઢોળવામાં આવ્યો

હાલપૂરતો મુંબઈ સહિત રાજ્યમાં વીજકાપ નહીં

વીજળીના ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે કોલસાની સપ્લાયની સ્થિતિ વધુ ખરાબ નહીં થાય તો મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ક્યાંય વીજકાપ મૂકવામાં આવશે નહીં.
મુંબઈમાં વીજળીના સૌથી મોટા સપ્લાયર અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરને વીજળી પૂરી પાડવા માટે તેમની પાસે પૂરતો કોલસાનો જથ્થો સંગ્રહિત છે. ઊર્જાપ્રધાન ડૉ. નીતિન રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ દ્વારા શહેરો, પરાવિસ્તારો સહિત સમગ્ર રાજ્યમાં અવિરત વીજસપ્લાય ચાલુ રહેશે. તેમણે હાલની કોલસાની કટોકટી માટે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત કોલ ઇન્ડિયા લિમિટેડના વહીવટને જવાબદાર ઠેરવ્યો છે.
દેશભરમાં કોલસાની કટોકટી ચિંતાજનક બની રહી છે. ઘણાં થર્મલ ઊર્જાઘરોમાં કોલસાની અછતને કારણે ઉત્પાદન ઓછું થઈ ગયું છે અથવા બંધ થઈ ગયું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં જ રાજ્ય દ્વારા સંચાલિત ચાર યુનિટ કોલસાની અછતને કારણે બંધ થઈ ગયા છે. ઉપરાંત અન્ય ત્રણ યુનિટ મર્યાદિત રીતે સંચાલિત થઈ રહ્યા છે. આ કારણે દરરોજ ૩૦૦૦થી ૩૫૦૦ મેગાવૉટ્સ જેટલા વીજઉત્પાદનની અછત નિર્માણ થઈ છે. આ અછતને ભરવા માટે પીક અવર્સમાં હાઇડ્રોઇલેક્ટ્રિક આઉટપુટને વધારી દેવામાં આવે છે અને અન્ય પ્રોડ્યુસર્સ પાસેથી ૧૩થી ૨૦ રૂપિયા પ્રતિ યુનિટના ભાવે બહારથી ખરીદવામાં આવે છે.
અદાણી ઉપરાંત તાતા પાવર અને બીઈએસટી દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું હતું કે તેમની પાસે પૂરતો કોલસાનો જથ્થો છે. જોકે રાજ્ય દ્વારા સંચાલિત અને એશિયાના સૌથી મોટા વીજસપ્લાયર્સમાંનું એક ઊર્જા કેન્દ્ર કટોકટીનો સામનો કરી રહ્યું છે.
મંત્રાલયમાં મંગળવારે પત્રકારોને સંબોધતાં રાઉતે કહ્યું હતું કે ‘સોમવાર રાતથી કોલસાની સપ્લાય થોડી વધી છે. કોલ ઇન્ડિયા દ્વારા વધુ માત્રામાં અને વધુ સારી ગુણવત્તાવાળા કોલસાની સપ્લાય થવી જોઈએ. અત્યારે આપણને જે મળી રહ્યો છે એની ગુણવત્તા થોડી ઊતરતી છે. ઉપરાંત કૉન્ટ્રૅક્ટ પ્રમાણેનો માત્ર ૩૦ ટકા ગૅસ આપણને મળી રહ્યો છે. સીજીપીએલ અને જેએસડબ્લ્યુ દ્વારા કુલ ૧૦૦૦ મેગાવૉટ જેટલું ઉત્પાદન બંધ કરાયું છે.’
સોમવારે સાંજે ૭ વાગ્યા સુધી રાજ્યની વીજમાગ ૨૦,૮૭૦ મેગાવૉટ પહોંચી હતી, જેની સામે રાજ્યની ડિસ્ટ્રિબ્યુટર કંપનીઓએ ૧૮,૧૨૩ મેગાવૉટ પૂરી પાડી છે. આ અછતને પહોંચી વળવા રાજ્ય દ્વારા કોલસા, ગૅસ અને હાઇડ્રો પ્રોડક્શનના અન્ય વિકલ્પોનું ઉત્પાદન વધારીને ૮૧૧૯ મેગાવૉટ કરવામાં આવ્યું છે. રાઉતે કહ્યું હતું કે તેઓ ગયા ઑગસ્ટથી અપૂરતા અને ઊતરતી ગુણવત્તાના કોલસાનો મુદ્દો કેન્દ્રીય ઊર્જાપ્રધાન સાથે ચર્ચી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે ‘અમે દરેક એજન્સી અને દરેક મંત્રાલયમાં આ મુદ્દાની ચર્ચા કરી છે. ખાણોમાં અને લોડિંગ કેન્દ્રોમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. સીઆઇએલની પેટા-કંપની વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ દ્વારા એના ઉત્પાદનનો ૬૫ ટકા હિસ્સો સપ્લાય કરવાના મેન્ડેટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ત્યાંથી માત્ર ૩૫ ટકા ઉત્પાદન જ આપવામાં આવે છે. આપણને ફાળવવામાં આવેલી છત્તીસગઢની ખાણમાં કામગીરી શરૂ થાય ત્યાં સુધી અન્ય ઈંધણ મોકલાવવાની ગોઠવણ તેમના દ્વારા કરવામાં આવી છે.’ 

Mumbai News Mumbai dharmendra jore