ક્રેડિટ સોસાયટીઓનાં સંખ્યાબંધ ખાતાંઓમાં અશોક ખરાત છે નૉમિની

03 April, 2026 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાશિકમાં અશોક ખરાતના કેસમાં ગઈ કાલે નાશિક જિલ્લા સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી

સ્વયંઘોષિત ગૉડમૅન અશોક ખરાત

સ્વયંઘોષિત ગૉડમૅન અશોક ખરાતના છેતરપિંડી કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે સમતા અને જગદંબ ક્રેડિટ સોસાયટીમાં અશોક ખરાતે અલગ-અલગ લોકોના નામે ૧૩૦ જેટલાં ફેક અકાઉન્ટ ખોલાવ્યાં હતાં અને એમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું એવું જણાયું છે.   

પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૨૧-’૨૨ના સમયગાળા દરમ્યાન વિવિધ વ્યક્તિઓના નામે ક્રેડિટ સંસ્થાઓમાં આ ખાતાં ખોલાવવામાં આવ્યાં હતાં. આ બનાવટી ખાતાં સમતા ક્રેડિટ સોસાયટી અને જગદંબ ક્રેડિટ સોસાયટી સહિત ઘણી જગ્યાએ ખોલાવ્યાં હતાં. ચોંકાવનારી વાત એ છે કે આ બધાં ખાતાંઓમાં અશોક ખરાતને નૉમિની તરીકે દર્શાવવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું હતું કે આ ખાતાંઓમાં એક દિવસમાં લાખો રૂપિયાના વ્યવહાર થતા હતા. 

અશોક ખરાત સામે ૬ કરોડ રૂપિયાની ફરિયાદ કરનાર પુણેના બિઝનેસમૅન રાજેન્દ્ર જાસૂદ અને રૂપાલી ચાકણકરની બહેનો તથા ભત્રીજાઓના નામે પણ ખાતાં ખોલાવવામાં આવ્યાં હોવાની પોલીસને શંકા છે. આ બનાવટી ખાતાંઓ દ્વારા કુલ વ્યવહારની રકમ ૫૦ કરોડ રૂપિયાથી વધુ છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર કેટલાક વરિષ્ઠ અધિકારીઓનાં નામનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.

ભોંદુબાબા આઠમી એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડીમાં

નાશિકમાં અશોક ખરાતના કેસમાં ગઈ કાલે નાશિક જિલ્લા સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં કોર્ટે અશોક ખરાતને ૮ એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલ્યો છે. આ સુનાવણી માટે અશોક ખરાતને વિડિયો-કૉન્ફરન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણસર સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ વિડિયો-કૉન્ફરન્સ દ્વારા અશોક ખરાતને રજૂ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે SITની આ અરજી સ્વીકારી હતી.

mumbai news mumbai ashok kharat case mumbai crime news Crime News nashik