એશિયાનાં સૌપ્રથમ મહિલા ટ્રેન-ડ્રાઇવરની છેલ્લી સફર

19 September, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૬ વર્ષ પહેલાં ટ્રેઇની ડ્રાઇવર તરીકે જોડાયેલાં સાતારાનાં સુરેખા યાદવ લોકો પાઇલટ તરીકે અનેક સિદ્ધિઓ હાંસલ કરીને રિટાયર થયાં

ગઈ કાલે CSMT પર છેલ્લી સફર પૂરી કરીને પહોંચેલાં સુરેખા યાદવ, સુરેખા યાદવની ભવ્ય કારકિર્દીને CSMT પર ઊજવતા તેમના સાથીઓ.

મહારાષ્ટ્રના સાતારામાં જન્મેલાં સુરેખા યાદવે ૩૬ વર્ષ પહેલાં ટ્રેનનાં ટ્રેઇની ડ્રાઇવર તરીકે સેન્ટ્રલ રેલવેમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષો સુધી અલગ-અલગ રૂટ પર અને ઘણી વાર તો ચૅલેન્જિંગ રૂટ પર પણ સફળતાપૂર્વક ટ્રેન ચલાવીને જીવનમાં સડસડાટ આગળ વધેલાં અને બુધવારે દિલ્હીથી રાજધાની એક્સપ્રેસ ટ્રેન લઈને નીકળેલાં સુરેખા યાદવની લોકો પાઇલટ તરીકેની જર્ની ગઈ કાલે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે લાવીને પૂરી થઈ ત્યારે CSMT પર તેમનું સાથી-કર્મચારીઓએ સ્વાગત કર્યું હતું.  

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા બાદ સુરેખા યાદવે રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની પરીક્ષા પાસ કરી હતી અને ૧૯૮૬માં તેઓ સેન્ટ્રલ રેલવેમાં ટ્રેઇની અસિસ્ટન્ટ ડ્રાઇવર તરીકે જોડાયાં હતાં. ૧૯૮૮માં તેઓ પૅસેન્જર ટ્રેન દોડાવનાર પ્રથમ મહિલા લોકો પાઇલટ - ડ્રાઇવર બન્યાં હતાં. બુધવારે તેમણે છેલ્લે દિલ્હીથી ટ્રેન-નંબર ૨૨૨૨૨ – રાજધાની ટ્રેનની સફર કરી હતી. ૧૮ કલાકની મુસાફરી કરીને ટ્રેન જ્યારે ગુરુવારે સવારે ૧૧ વાગ્યે CSMTના પ્લૅટફૉર્મ-નંબર ૧૪ પર પહોંચી ત્યારે તેમને આવકારવા તેમના સાથી-કર્મચારીઓ અને ઑફિસરો પ્લૅટફૉર્મ પર પહોંચી ગયા હતા. 
વંદે ભારત પણ ચલાવી સુરેખા યાદવે સુરેખા યાદવે ૨૦૦૦માં શરૂ થયેલી લેડીઝ સ્પેશ્યલ ટ્રે​ન ચલાવી હતી. તેમને ૨૦૧૧માં મેલ-એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ૨૦૨૧માં વિશ્વ મહિલા દિન નિમિત્તે તેમણે બધી મહિલા કર્મચારીઓ સાથેની મુંબઈ–લખનઉ સ્પેશ્યલ ટ્રેન દોડાવી હતી. ૨૦૨૩માં તેમણે વંદે ભારતનું સુકાન પણ સંભાળ્યું હતું. તેઓ વંદે ભારત ટ્રેન ચલાવનાર પ્રથમ મહિલા ડ્રાઇવર હતાં. ૨૦૧૧ અને ૨૦૨૩માં તેમણે સૌથી અઘરા મુંબઈ-પુણે રૂટ પર ડેક્કન ક્વીન ચલાવી હતી. 

રેલવેમાં મહિલાઓ
રેલવેમાં અત્યારે ૧૨.૫ લાખ કર્મચારીઓ છે જેમાંથી માત્ર ૨૦૩૭ મ​હિલા લોકો પાઇલટ છે, જ્યારે ટોટલ મહિલા કર્મચારીઓની સંખ્યા ૯૯,૮૦૯ છે. અત્યાર સુધી બે જ મહિલાઓ મોહસિના કિડવાઈ અને મમતા બૅનરજીએ રેલવેપ્રધાનની જવાબદારી સંભાળી છે. 

mumbai news mumbai satara maharashtra news indian railways mumbai local train chhatrapati shivaji maharaj terminus csmt