16 November, 2026 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટાઇગર શ્રોફ
૧૮ ઑક્ટોબરે ઍક્ટર ટાઇગર શ્રોફ પર થયેલા હુમલા અને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી મળતી સતત ધમકીઓને પગલે મુંબઈ પોલીસે બૉલીવુડના ઓછામાં ઓછા બે A-લિસ્ટર કલાકારોની સુરક્ષા વધારીને Y-પ્લસ કૅટેગરીની કરી દીધી છે અને અન્ય કલાકારોનું રક્ષણ પણ મજબૂત બનાવ્યું છે. એક પોલીસ-સૂત્રના જણાવ્યા અનુસાર તાજેતરની સમીક્ષાના ભાગરૂપે એક A-લિસ્ટર કલાકારની સુરક્ષા X કૅટેગરીથી વધારીને Y-પ્લસ અને અન્ય એક કલાકારની Y કૅટેગરીથી વધારીને Y-પ્લસ કરવામાં આવી છે. સુરક્ષાનાં કારણોસર આ કલાકારોનાં નામ અને સુરક્ષા-વ્યવસ્થાની વિગતો જાહેર કરવામાં આવી નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બૉલીવુડની હસ્તીઓની વ્યાપક સુરક્ષા-સમીક્ષાના ભાગરૂપે વિવિધ એજન્સીઓ દ્વારા અગાઉથી સુરક્ષા મેળવતા કલાકારો સામેના જોખમનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને અન્ય કોને નવી સુરક્ષાની જરૂર છે એની ઓળખ થઈ રહી છે. આ પગલાં હેઠળ સુરક્ષા-કૅટેગરી અપગ્રેડ કરવાથી લઈને કૅટેગરી બદલ્યા વિના વધારાનો પોલીસ-બંદોબસ્ત તહેનાત કરવા અને તેમના પ્રવાસના રૂટ પર નજર રાખવા જેવી કાર્યવાહી સામેલ છે. ગૅન્ગના નિશાના પર રહેલા કલાકારોના કેટલાક પરિવારજનો અને નજીકના સાથીઓને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક A-લિસ્ટર્સ ચાહકો સાથે મુલાકાત કરે ત્યારે તેમની સુરક્ષા Z-કૅટેગરી સમકક્ષ વધારી દેવાય છે, જેમાં યુનિફૉર્મ અને સાદા ડ્રેસમાં પોલીસ-જવાનો તહેનાત રહે છે. કલાકારો ઘરની બહાર નીકળે ત્યારે અને જાહેર કાર્યક્રમોમાં પણ આવી જ તકેદારી રખાય છે. ટાઇગર શ્રોફ સહિતના કલાકારોના નિવાસસ્થાને સુરક્ષા સઘન બનાવાઈ છે અને એક ઍક્ટરના ઘરે બુલેટપ્રૂફ સ્ટ્રક્ચર પણ ઊભું કરાયું છે. મુંબઈ બહાર પ્રવાસનું આયોજન કરતા કલાકારોને મૉનિટરિંગ માટે તેમનો સૂચિત રૂટ પોલીસ સાથે શૅર કરવા અને અગાઉથી ગંતવ્યસ્થળનું સૅનિટાઇઝેશન કરાવવા જણાવાયું છે. ઉપરાંત સેલિબ્રિટી જે-તે વિસ્તારની હદ ન છોડે ત્યાં સુધી જરૂરી રક્ષણ આપવા સ્થાનિક પોલીસ-સ્ટેશનોને પણ અલર્ટ રખાય છે.
હજી ચાલી રહેલી આ સુરક્ષા-સમીક્ષામાં સીધી ધમકી મળી હોય એવા કલાકારો ઉપરાંત ગૅન્ગના રડાર પર રહેલા સ્ટાર્સના નજીકના મનાતા લોકોને પણ વ્યક્તિગત જોખમના આધારે આવરી લેવાયા છે. કેટલાક ઍક્ટરોના પરિવારજનોને X-કૅટેગરીની સુરક્ષા અપાઈ છે. અંતિમ તારણોના આધારે સુરક્ષા-વ્યવસ્થામાં વધુ ફેરફાર થઈ શકે છે.