23 August, 2025 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અટલ સેતુની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રની ઇલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી અંતર્ગત અટલ સેતુ પરથી પસાર થતાં ઇલેક્ટ્રિક વાહનોને ટોલમાફી મળશે. ટોલમાફીમાં તમામ પ્રકારનાં સરકારી અને પ્રાઇવેટ ફોર-વ્હીલર વાહનોનો સમાવેશ થાય છે. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) હેઠળ આવતા સ્ટેટ અને નૅશનલ હાઇવે પર ૫૦ ટકા ટોલમાફી લાગુ કરવામાં આવશે, જેમાં સમૃદ્ધિ મહામાર્ગ અને મુંબઈ-પુણે હાઇવેનો સમાવેશ થાય છે.
એપ્રિલ મહિનામાં પ્રસ્તાવિત આ પૉલિસીનો અમલ શુક્રવારથી શરૂ કરવામાં આવ્યો છે. કાર્બન-ઉત્સર્જનને ઘટાડીને ટ્રાન્સપોર્ટ સિસ્ટમને સ્વચ્છ બનાવવાનું પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનોને ટોલમુક્ત કરવાની પૉલિસી રજૂ કરી હતી. પ્રાઇવેટ ઇલેક્ટ્રિક કાર, પૅસેન્જર ફોર-વ્હીલર, સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ તેમ જ શહેરી પબ્લિક ટ્રાન્સપોર્ટનાં ઇલેક્ટ્રિક વાહનોને ટોલમુક્તિનો લાભ મળશે જ્યારે માલવાહક ઇલેક્ટ્રિક વાહનોને આ લાભ મળશે નહીં.
નવી મુંબઈને મુંબઈ સાથે જોડતા ૨૧.૮ કિલોમીટર લાંબા અટલ સેતુ પરથી રોજ આશરે ૩૪,૦૦૦થી ૪૦,૦૦૦ વાહનો પસાર થાય છે, એનો વન-વે ટોલ ૨૫૦ રૂપિયા છે. ઇલેક્ટ્રિક વાહનો માટે હવે આ ટોલ માફ કરાયો છે.