25 October, 2026 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ધારાવીના મુકુંદનગરમાં આવેલી મોબાઇલની એક દુકાનમાં બનાવટી ભારતીય ચલણી નોટો વટાવવાનો પ્રયાસ કરનાર ૧૯ વર્ષના હુસેન શેખ અને ૨૦ વર્ષના રોહિત જાયસવાલની ધારાવી પોલીસે ધરપકડ કરી છે. મોબાઇલ રિપેરિંગ અને મની-ટ્રાન્સફરનો વ્યવસાય કરતા અનિલની દુકાને હુસેન ૭૦૦૦ રૂપિયા રોકડા આપીને ઑનલાઇન ટ્રાન્સફર કરવા આવ્યો હતો. દુકાનદારે જ્યારે આ નોટો ગણવાના મશીનમાં મૂકી ત્યારે મશીનમાં વારંવાર Errorનો મેસેજ દર્શાવવામાં આવતો હતો એટલે દુકાનદારને શંકા ગઈ હતી. આ મામલે પોલીસને જાણ કરતાં પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ધારાવીના ૪ વેપારીઓને આ રીતે ખોટી નોટો આપીને છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલ્લાસો થયો છે.
ધારાવી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી દુકાનદાર નોટોની તપાસ કરી રહ્યો હતો એ જ સમયે બાજુની પાનની દુકાનનો માલિક મુરાદ હુસેન પણ ત્યાં પહોંચ્યો હતો. તેણે જણાવ્યું કે આ જ યુવકે તેને પણ ૫૦૦ રૂપિયાની નોટ આપીને ૧૦૦ રૂપિયાનો સામાન ખરીદ્યો હતો અને ૪૦૦ રૂપિયા પાછા મેળવ્યા હતા. બન્ને દુકાનદારોએ મળીને તમામ ૧૫ નોટોની ઝીણવટભરી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે 9RK 683566, 9RK 683573 અને 9RK 683563 જેવા
સિરિયલ-નંબર ધરાવતી ઘણી નોટો એક જ નંબરની હતી. એકસરખા નંબરની નોટો હોવાથી નોટો બનાવટી હોવાની ખાતરી થતાં દુકાનદારે તરત જ આ ઘટનાની જાણ અમને કરી હતી. અમે ઘટનાસ્થળે પહોંચીને આરોપી હુસેન શેખની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમ્યાન હુસેને ખુલાસો કર્યો હતો કે આ બનાવટી નોટો તેને તેના મિત્ર રોહિત જાયસવાલે વટાવવા માટે આપી હતી. આ કેસમાં અન્ય બે વેપારીઓને પણ આ પ્રકારે ખોટી નોટો આપવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’