14 January, 2026 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણેશ ગાવડે રોડ પર આશાપુરા ટ્રાવેલ્સની દુકાનનું શટર તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
મુલુંડમાં રવિવારે રાતે તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો હતો. મુલુંડ-વેસ્ટના વિવિધ વિસ્તારોમાં અજાણ્યા શખ્સોએ વીસથી વધુ દુકાનોનાં શટર તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરતાં સ્થાનિકો અને વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં દુકાનોમાં તોડફોડ થઈ હોવા છતાં મુલુંડ પોલીસે સોમવારે માત્ર છ દુકાનદારોની સંયુક્ત ફરિયાદ નોંધી હતી. પોલીસે હાલમાં આ વિસ્તારના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ ડેટાના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં પોલીસની કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુલુંડના ગણેશ ગાવડે રોડ પર આશાપુરા ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની દુકાન ધરાવતા ગૌરવ પલણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સવારે મારી દુકાનનું શટર તૂટેલી હાલતમાં હોવાની જાણ નજીકના એક દુકાનદારે મને કરી હતી. મેં તાત્કાલિક દુકાને જઈને તપાસ કરતાં ચોરી કરવા આવેલા ચોરે મારી દુકાનમાં લાગેલા શટરનાં તાળાં તોડવાની કોશિશ કરી નહોતી, પણ લોખંડના રૉડની મદદથી ડાયરેક્ટ શટર તોડીને દુકાનની અંદર પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. જોકે શટર વધારે ઊંચું ન થતાં તેઓ ચોરી કરી શક્યા નહોતા. હું પોલીસ-સ્ટેશન પર ફરિયાદ કરવા પહોંચ્યો ત્યારે મારા જેવા વીસથી વધારે દુકાનદારો ચોરીની ફરિયાદ નોંધાવવા પોલીસ-સ્ટેશન પર આવ્યા હતા. ત્યારે મને જાણ થઈ હતી કે ચોરોએ મુલુંડના ગણેશ ગાવડે રોડ, ડૉ. આર. પી. રોડ, ઝવેર રોડ, વૈશાલીનગર અને એમ. જી. રોડ પરની દુકાનોનાં શટર તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.’
લોકોએ કોના પર ભરોસો કરવો?
મુલુંડમાં રહેતાં કલ્પના શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. અગાઉ અમારી સોસાયટીમાં બે ચોરી થઈ હતી. આ ઉપરાંત પોલીસ-સ્ટેશનના ૨૦૦થી ૩૦૦ મીટરના અંતરમાં આવેલા વર્ધમાનનગરમાં ૧૫ લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી. આ ચોરીના કેસમાં પણ પોલીસ હજી સુધી આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે. જો મુખ્ય માર્ગો પરની દુકાનો સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકોએ કોના પર ભરોસો કરવો? તાજેતરની ઘટના જોતાં એવું લાગે છે કે પોલીસ પણ રાત પડતાં સૂઈ જાય છે.’
શું કહેવું છે પોલીસનું?
મુલુંડ પોલીસ-સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર પ્રાચી ભગતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સવારે મુલુંડ-વેસ્ટના વિવિધ રસ્તા પર આઠથી ૯ દુકાનોનાં શટર તૂટ્યાં હોવાની ફરિયાદ અમારી પાસે આવી હતી. એના આધારે ૬ લોકોની સંયુક્ત ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં આરોપીને શોધવા માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.’