26 November, 2025 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વામન મ્હાત્રે
નગરપાલિકાઓની ચૂંટણીઓ બીજી ડિસેમ્બરે થવા જઈ રહી છે ત્યારે બદલાપુરમાં એકનાથ શિંદેની શિવસેનાએ સ્થાનિક નેતા અને શિવસેનાના બદલાપુરના અધ્યક્ષ વામન મ્હાત્રે સહિત તેમના પરિવારના કુલ ૬ સભ્યોને ઉમેદવારી આપી છે. એને કારણે પાયાના કાર્યકરોમાં અને મહાયુતિના સાથી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)માં પણ અસંતોષ ફેલાયો છે.
વામન મ્હાત્રે, તેમનાં પત્ની, પુત્ર, ભાઈ, ભાઈની પત્ની અને ભત્રીજો એમ કુલ મળી ૬ જણને શિવસેનાએ ઉમેદવારી આપી છે.
બદલાપુર નગરપાલિકાની કુલ ૪૯ બેઠકમાંથી ૬ બેઠકો તેમના જ પરિવારના ફાળે ગઈ હોવાથી મહાયુતિના સાથીપક્ષ BJPમાં પણ અસંતોષ ફૂંકાયો છે. BJPના વિધાનસભ્ય કિશોર કોઠારેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે એક જ પરિવારના ૬ સભ્યો નગરપાલિકાની ચૂંટણી લડ્યા હોય. શિવસેનાના સ્થાનિક અધ્યક્ષનું વલણ એવું લાગે છે કે પક્ષનો કોઈ પણ કાર્યકર તેમના પરિવારથી ઉપર ન જવો જોઈએ.’
ગઈ ચૂંટણીમાં પણ વામન મ્હાત્રેએ તેમના પરિવારના ૪ સભ્યોને ઉમેદવારી અપાવી હતી. એ પછી આ વખતે એમ કહેવાતું હતું કે પક્ષના વફાદાર કાર્યકરોને આ વખતે ઉમેદવારી આપવામાં આવશે. જોકે ફરી એક વખત વામન મ્હાત્રે પક્ષ મોવડીઓ પાસે પોતાનું ધાર્યું કરાવવામાં સફળ રહ્યા છે. આ ઉપરાંત શિવસેનાએ પ્રવીણ રાઉતના પરિવારના ૩ સભ્યોને પણ ટિકિટ આપી છે.