ટ્રેનના AC કોચમાં પણ સામાન સલામત નથી

21 July, 2026 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવાથી પાછી આવી રહેલી વાપીની મહિલાની બૅગ ચોરાઈ, ૨,૩૯,૯૦૦ રૂપિયાની મતા ગુમાવી

પ્રતીકાત્મક તસવીર

મડગાવ-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનના ઍર-કન્ડિશન્ડ (AC) કોચમાં પ્રવાસ કરતાં ૫૪ વર્ષનાં ઝવેરબહેન ભાવસારની પનવેલ રેલવે-સ્ટેશન નજીકથી ૨,૩૯,૯૦૦ રૂપિયાની માલમતા રાખેલી બૅગ ચોરાઈ હોવાની ફરિયાદ રવિવારે પનવેલ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં નોંધાઈ છે. વાપીના દમણ રોડ પર રહેતાં ઝવેરબહેન પતિ કેતન ભાવસાર સાથે ગોવાથી પોતાના ઘરે વાપી પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે મધરાત પછી ચોરે ટૂ ટાયર AC કોચમાં પ્રવેશીને તેમના માથા પાસે રાખેલું લાલ રંગનું હૅન્ડપર્સ ચોરી લીધું હતું. આ ઘટનાએ ફરી એક વાર ટ્રેનમાં સુરક્ષા પર સવાલ ઊભા કર્યા છે.

કેતન ભાવસારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વેકેશન માટે ગોવા ગયાં હતાં. ત્યાંથી મડગાવ-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનમાં વાપી પાછાં ફરી રહ્યાં હતાં રાતે રત્નાગિરિ સ્ટેશનથી ટ્રેન છૂટ્યા બાદ અમે જમીને સૂઈ ગયાં હતાં. ઝવેરની આંખ ખૂલી ત્યારે તેણે પોતાના માથા નીચે રાખેલી બૅગ ગાયબ જોઈ હતી. વધુ તપાસ કરવા અને મદદ માટે મેં પોલીસ અને TCને શોધવાની કોશિશ કરી ત્યારે ચારથી પાંચ ડબ્બા સુધી બન્નેમાંથી કોઈ મને મળ્યું નહોતું. એટલું જ નહીં, મારા કોચની બન્ને બાજુના દરવાજા ખુલ્લા હતા એટલે મને ખાતરી થઈ હતી કે ચોરે કોચની અંદર પ્રવેશીને ચોરી કરી હશે. ચોરી થયેલા લાલ હૅન્ડપર્સમાં ૫૦,૦૦૦ રૂપિયાનો મોબાઇલ ફોન, ૭૪,૦૦૦ રૂપિયા રોકડા, ઍપલની સ્માર્ટવૉચ, અન્ય એક સિટિઝન ઘડિયાળ તેમ જ ચશ્માં અને ચાર્જર સહિત કુલ ૨,૩૯,૯૦૦ રૂપિયાની માલમતા હતી. આ ઉપરાંત પર્સમાં રાખેલાં ઝવેરનું અને મારું PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો પણ ચોરાઈ ગયા હતા.’

mumbai news mumbai gujaratis of mumbai gujarati community news Crime News mumbai crime news vapi