એક ધક્કા ઔર દો, ઔરંગ્યા કી કબ્ર તોડ દો

18 March, 2025 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઔરંગઝેબની કબર હટાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રાજ્યભરમાં વિરોધ-પ્રદર્શન કર્યું

ગઈ કાલે આઝાદ મેદાનમાં વિરોધ-પ્રદર્શન કરતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો. (તસવીર : કીર્તિ સુર્વે પરાડે)

આવા સૂત્રોચાર સાથે ઠેર-ઠેર પ્રોટેસ્ટ કરવામાં આવ્યો : સરકાર પગલાં નહીં લે તો કારસેવા કરવાની ચીમકી આપવામાં આવી

દેશ કા બલ, બજરંગ દલ; છત્રપતિ કે સન્માન મેં, બજરંગ દલ મૈદાન મેં; હટલી પાહિજે, હટલી પાહિજે, ઔરંગઝેબચી કબર હટલી પાહિજે; એક ધક્કા ઔર દો, ઔરંગ્યા કી કબ્ર તોડ દો... આવા સૂત્રોચ્ચાર સાથે ગઈ કાલે મુંબઈ, થાણે અને પુણે સહિત રાજ્યભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ તહસીલદાર અને કલેક્ટરની ઑફિસની બહાર આંદોલન કર્યું હતું. છત્રપતિ સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબર અને સ્મૃતિસ્થળ દૂર નહીં કરવામાં આવે તો કારસેવા કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

મુંબઈના આઝાદ મેદાનમાં ગઈ કાલે બપોર બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ઔરંગઝેબની કબર હટાવવાની માગણી સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ ષરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીરાજ નાયરે કહ્યું હતું કે ‘ઔરંગઝેબે સત્તા માટે ભાઈ અને પિતાની હત્યા કરી હતી. તેને ભારત અને ભારતની સંસ્કૃતિ કે પરંપરા સાથે કોઈ લેવાદેવા નહોતી. સત્તા મેળવવા અસંખ્ય હિન્દુ મંદિરો તોડ્યાં, હિન્દુ રાજાઓની હત્યા કરી અને હિન્દુ મહિલાઓ પર બળાત્કાર કરાવીને પીડા આપી. આવી ક્રૂર વ્યક્તિની ભારતમાં કોઈ કબર કે સ્મારક હોવું એ એક રીતે તેણે કરેલા અન્યાયને પ્રોત્સાહિત કરવા સમાન છે. આજના સ્વતંત્ર ભારતમાં કોઈ પણ આક્રમણકારીનું નામોનિશાન ન રહેવું જોઈએ. અમે આ સંબંધે કલેક્ટરને નિવેદન આપ્યું છે. સરકાર દ્વારા પગલાં નહીં લેવામાં આવે તો કારસેવા કરીને આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે.’

કમનસીબે ઔરંગઝેબની કબરનું અમારે રક્ષણ કરવું પડે છે: દેવેન્દ્ર ફડણવીસ

ઔરંગઝેબની કબર અને સ્મૃતિસ્થળ હટાવવા માટે ગઈ કાલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાજ્યભરમાં વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે ભિવંડીમાં છત્રપતિ શિવાજી મંદિરનું લોકાર્પણ કર્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ ૧૮ જાતિને એકત્રિત કરીને તેમનામાં પૌરુષત્વ લાવ્યા હતા. તેમણે સૌને સાથે રાખીને હિન્દુ ધર્મ અને પરંપરાને નષ્ટ કરનારાઓ સામે લાંબી લડત ચલાવી હતી. છત્રપતિએ શરૂ કરેલી લડત તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ અને તારારાણીએ આગળ વધારીને સ્વરાજ્ય માટે યોગદાન આપ્યું હતું. તેમણે ઔરંગઝેબને મહારાષ્ટ્રમાં જ ગાડી દીધો હતો અને દિલ્હી પર ભગવો લહેરાવ્યો હતો. મહારાષ્ટ્રમાં આવેલી ઔરંગઝેબની કબરને પચાસ વર્ષ પહેલાં આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ સંરક્ષણ આપ્યું હતું. આથી આપણી કમનસીબી છે કે હિન્દુત્વને ખતમ કરવા નીકળેલા મોગલની કબરને સંરક્ષણ આપવું પડી રહ્યું છે. જોકે કંઈ પણ થાય મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરનાં ગુણગાન કરનારાઓને બક્ષવામાં નહીં આવે.’

mumbai news mumbai azad maidan devendra fadnavis maharashtra political crisis political news maharashtra news