28 May, 2026 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડ-ઈસ્ટમાં આવેલી પૂનમ એસ્ટેટ ક્લસ્ટર 1 હાઉસિંગ સોસાયટીમાં બકરી ઈદ નિમિત્તે લાવવામાં આવેલા બકરાઓને કારણે મંગળવારે ભારે વિવાદ સર્જાયો હતો. સોસાયટીના કેટલાક રહેવાસીઓએ આ બકરાઓને ઇમારતમાંથી બહાર કાઢવાની માગણી કરતાં પદાધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ આ મામલામાં કેટલાંક હિન્દુત્વવાદી સંગઠનો પણ જોડાયાં હતાં અને સોસાયટીની બહાર સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર આંદોલન શરૂ કરી દીધું હતું. મંગળવારે આ આંદોલન દરમ્યાન પ્રદર્શનકારીઓએ પરિસરમાં ભૂંડ (ડુક્કર) લાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ જ એક મુસ્લિમ વ્યક્તિ સાથે મારપીટ કરવામાં આવી હોવાનો પણ આરોપ લાગ્યો હતો.
આ સમગ્ર વિવાદમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. તેમણે MBMCને તરત સૂચના આપીને બકરાઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું અને પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાનના હસ્તક્ષેપ બાદ કાશીમીરા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે આંદોલનકારીઓ વિરુદ્ધ જમાવબંધીના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ, પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દાખવવા બદલ અને મારપીટ કરવા બદલ એમ ૩ અલગ-અલગ ગુના નોંધ્યા છે.
મીરા રોડની પૂનમ ક્લસ્ટર હાઉસિંગ સોસાયટીમાં બકરીનો બલિ અપાયો હોવાની અફવાને કારણે માહોલ ગરમાયો હતો અને એને કારણે અહીં પોલીસ પણ તહેનાત કરવી પડી હતી. જોકે આટલી ધમાલ બાદ હવે હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે અહીં ૭ વર્ષથી રહેતું કુટુંબ ફક્ત બકરી ઘરે જ લાવ્યું હતું, એની સોસાયટી પરિસરમાં કતલ કરવામાં નહોતી આવી. કતલ કરવા માટે એને અન્ય સ્થળે જ્યાં વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં લઈ જવાઈ હતી. અહીં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન બધા જ વર્ષોથી હળી-મળીને રહે છે અને કોઈ અડચણ વિના બધા જ તહેવારો ઊજવાય છે એવું સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે.
આજે ઈદ નિમિત્તે મુંબઈમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આશરે ૧૦,૦૦૦ જેટલી પોલીસ આજે શહેરની સુરક્ષામાં ખડેપગે રહેશે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવાર શાંતિપૂર્વક ઊજવાય એ માટે સિનિયર પોલીસ ઑફિસર ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF), રાયટ કન્ટ્રોલ પોલીસ (RCP) સહિતની સ્પેશ્યલ ફોર્સ પણ તહેનાત રહેશે. દરગાહો અને મસ્જિદોમાં મોટી સંખ્યામાં ઈદ ઊજવવા લોકો ઊમટશે એટલે ત્યાં ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે.