ક્યા કરેં, ક્યા ના કરેં

30 November, 2022 09:56 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

રેલવેએ ટ્રેનો શિફ્ટ કરતાં હવે ટ્રેન વલસાડથી રાતે બે વાગ્યે ઊપડતી હોવાથી સિનિયર સિટિઝનોને સામાન સાથે ઠંડીમાં બેસવું કે કેમ એની મૂંઝવણ તો થાઇલૅન્ડથી આવીને તરત જ શ્રીનાથજીનાં દર્શને જવા માગતા કપલને ચિંતા કે કેવી રીતે વલસાડ પહોંચવું

નિધિ અને દર્શન વ્યાસ અને એ દિવસના ઍરફેરનો સ્ક્રીન ગ્રૅબ

મહિનાઓ પહેલાં પ્લાન કરીને અનેક પ્રવાસીઓ મેલ કે એક્સપ્રેસની ટિકિટ બુક કરાવી લેતા હોય છે. ટિકિટ બુક થવાની સાથે જ લોકો ધીરે-ધીરે પોતાનો સામાન અને અન્ય મહત્ત્વની ચીજવસ્તુઓ બૅગમાં પૅક કરવા લાગી જતા હોય છે, પરંતુ મુસાફરીના થોડા દિવસ પહેલાં જ ખબર પડે કે તમે જે ટ્રેન પકડવાના છો એ બાંદરા ટર્મિનસથી નહીં પણ છેક વાપી કે વલસાડથી ઊપડવાની છે અને ત્યાં પહોંચવા માટે ખૂબ મર્યાદિત વિકલ્પ હોય ત્યારે કરવું શું એ પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે. જોકે આવા જ સવાલનો જવાબ બાંદરા ટર્મિનસથી પ્રવાસ કરીને જતા અમુક ટ્રેનોના પ્રવાસીઓ સામે ઊભો થયો છે. આવી પરિસ્થિતિમાં પ્રવાસીઓને આટલે દૂર પહોંચવું કંઈ રીતે અને જો પહોંચી પણ જઈએ તો રાતના બે વાગ્યા સુધી ઠંડીમાં કેવી રીતે બેસી રહેવું એ વાત મૂંઝવી રહી છે. ‘મિડ-ડે’એ આવા પ્રવાસીઓ સાથે વાત કરી હતી. એમાંથી અનેક લોકોને આવા પ્રશ્નો કનડી રહ્યા છે કે પ્રવાસ કરવો કે નહીં?

દીકરીએ શ્રીનાથજી જવાનું છે 
૨૭ નવેમ્બરે લગ્ન કરીને ૨૮ નવેમ્બરે હનીમૂન કરવા થાઇલૅન્ડ ગયેલી દીકરી પાંચ ડિસેમ્બરે આવીને તરત જ કુળદેવી તથા શ્રીનાથજીનાં દર્શન કરવા બાંદરા ટર્મિનસથી ઉદયપુર એક્સપ્રેસ દ્વારા પ્રવાસ કરવાની છે ત્યારે અચાનક મેસેજ આવ્યો કે આ ટ્રેન બાંદરાથી નહીં પણ વલસાડથી ઊપડવાની છે. આ બાબતે ચિંતા વ્યક્ત કરતાં નિધિ ઠાકરના પિતા ધીરેન ઠાકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રવિવારે મારી દીકરીનાં દર્શન વ્યાસ સાથે લગ્ન થયાં અને ૨૮ નવેમ્બરે તેઓ થાઇલૅન્ડ હનીમૂન પર ગયાં છે. ત્યાંથી ચોથી ડિસેમ્બરે આવીને તેમની પાંચ ડિસેમ્બરની બાંદરા ટર્મિનસથી શ્રીનાથજી જવા માટે ટ્રેન હતી. નવવિવાહિત હોવાથી દર્શને જવું નવદંપતી માટે મહત્ત્વનું હોય છે, પરંતુ અચાનક ગણતરીના દિવસો પહેલાં જ મેસેજ આવ્યો કે તમારી ટ્રેન બાંદરાથી ન ઊપડતાં વલસાડથી ઊપડશે. અમને એ પણ ખબર નથી કે કેટલા વાગ્યે ટ્રેન ઊપડશે. આ વિશે ઇન્ટરનેટ પર તપાસ કરીને એ લોકો થાઇલૅન્ડથી આવીને વલસાડ પહોંચવાનો વિકલ્પ શોધી રહ્યાં હતાં. અંતે વલસાડ જવા માટે તેમણે ટ્રેનમાં બુકિંગ કરાવ્યું છે, પરંતુ ચોથી ડિસેમ્બરે આવીને પાછા પાંચમી ડિસેમ્બરે સામાન સાથે વલસાડ જવાનું ખૂબ હેરાનગતિભર્યું છે. કુળદેવીનાં દર્શને જવું મહત્ત્વનું હોવાથી કોઈ ફેરફાર કરી શકાય એમ પણ નથી.’

હોટેલના બુકિંગના પૈસા પાણીમાં જશે
બોરીવલીમાં રહેતાં જાગૃત સાંઘાણી અને તેમના ભાઈ જયેશ સાંઘાણીના પરિવારના સાત જણે શ્રીનાથજીનાં દર્શન કરવા જવા માટે બે-અઢી મહિના પહેલાં જ ટ્રેનની ટિકિટ બુક કરી લીધી હતી. બધી તૈયારી થઈ ગયા બાદ હવે જાણ થઈ કે બાંદરા ટર્મિનસથી ટ્રેનને ટર્મિનેટ કરીને વલસાડથી કરવામાં આવી છે. જોકે વલસાડથી ટ્રેન કેટલા વાગ્યે ઊપડશે એની ખબર નહોતી, પરંતુ ‘મિડ-ડે’માં વાંચ્યા બાદ આંચકો લાગ્યો કે આ ટ્રેન વલસાડથી રાતના બે વાગ્યે ઊપડશે. આ બાબતે જાગૃત સાંઘાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને જે મેસેજ આવ્યો એમાં ટ્રેનનો સમય, કોઈ પણ ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે કે રીફન્ડ મળશે જેવી કોઈ માહિતી લખી નહોતી. કામકાજમાં વ્યસ્ત હોવાથી આપણા મોબાઇલમાં જે મેસેજ આવે એ જ સાચો માનીએ છીએ. જોકે ‘મિડ-ડે’માં આવેલા અહેવાલ બાદ જણાયું કે આ ટ્રેન તો છેક રાતે બે વાગ્યે ઊપડવાની છે. ત્યાર બાદ અમે ચિંતામાં આવી ગયા કે કરવું શું? અમે તપાસ કરી તો ફ્લાઇંગ રાણી વલસાડ સ્ટેશન પર રાતના સવાનવ વાગ્યાની આસપાસ પહોંચાડે છે, જ્યારે અમારી ઉદયપુર સિટી સ્પેશ્યલ ટ્રેન રાતે બે વાગ્યે છે. સામાન અને બાળકો તથા ઘરની મહિલાઓ સાથે ચાર-ચાર કલાક ઠંડીમાં કઈ રીતે બેસી શકાય? અમે ૧૩૯ નંબર પર ફોન કરીને માહિતી લેવાની કોશિશ કરી તો પ્રવાસના એક દિવસ પહેલાં જણાવવામાં આવશે એવું કહેવાયું. શ્રીનાથજીમાં રોકાઈને અન્ય ઠેકાણે જવાના કાર્યક્રમો હોવાથી અમે હોટેલ વગેરે બુક કરી રાખ્યું છે. અમે હોટેલમાં ફોન કરીને પૂછ્યું કે કૅન્સલેશન કરીએ તો શું? ત્યારે હોટેલવાળાએ કહ્યું કે કૅન્સલ કરશો તો પૈસા જશે. એથી હવે અમે શું કરીએ એવો પ્રશ્ન અમને મૂંઝવે છે.’

ત્રણ સિનિયર સિટિઝનો પણ પહેલી ડિસેમ્બરે બોરીવલીથી શ્રીનાથજી જવા ટ્રેન પકડવાના હતા, પરંતુ તેમને પણ મેસેજ આવ્યો છે કે તમારી ટ્રેન વલસાડથી ઊપડશે. કેટલા વાગ્યે અને ત્યાં કઈ રીતે પહોંચવું એવી કોઈ માહિતી પૅસેન્જરને આપવામાં આવી નથી એમ કહેતાં પોતાની નારાજગી વ્યક્ત કરતાં સિનિયર સિટિઝન રાજેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑક્ટોબરમાં હું, મારી પત્ની અને તેની બહેન એમ ત્રણ સિનિયર સિટિઝનની થર્ડ એસીની ટિકિટ બુક કરાવી હતી. થોડા દિવસ પહેલાં અમને જાણ થઈ કે આ ટ્રેન છેક વલસાડથી રાતે મોડી ઊપડવાની છે. સામાન સાથે ત્યાં પહોંચવા માટે કોઈ કનેક્ટેડ ટ્રેન નથી એટલે કલાકો સુધી વલસાડ સ્ટેશને કઈ રીતે બેસી શકાય? મારી પુત્રવધૂએ તપાસ કરતાં જાણ થઈ કે ટ્રેન રાત્રે બે વાગ્યે વલસાડથી ઊપડશે. અમારો આગળનો કાર્યક્રમ નક્કી હોવાથી ફ્લાઇટ માટે તપાસ કરી તો એ ખૂબ મોંઘી છે. અહીંથી ઍરપોર્ટ પહોંચવાનો અને ઉદયપુર ઍરપોર્ટથી શ્રીનાથજી પહોંચવાનો ખર્ચો થાય. ટ્રેનમાં તો માવલી ઊતરીએ એટલે શ્રીનાથજી પાસે જ છે. વન-વે ફ્લાઇટનો ખર્ચો કરવાનો વિચાર પણ કરીએ તો પાછા વળતી વખતે સાતમી ડિસેમ્બરે ટ્રેન વલસાડ સ્ટેશને જ અમને ટ્રેન ઉતારશે. ફ્લાઇટ બુકિંગ બોર્ડિંગની જાણકારી નથી. એથી આ પ્રવાસ કાં તો કૅન્સલ જ કરવો પડશે અથવા તો ફ્લાઇટથી કરવો પડશે. હાલમાં તો વલસાડ જઈને પ્રવાસ કરવો શક્ય નથી.’

અન્ય રેલવે-પ્રવાસી દીપિત ઠક્કરે જણાવ્યું હતું કે ‘ટ્રેનના બદલાવ વિશે વધુ માહિતી મેળવવા રેલવેના ૧૩૯ નંબર પર ફોન કરીને પૂછ્યું તો કહ્યું કે અમારી પાસે હાલમાં આની વધુ જાણકારી નથી અને જર્નીના એક દિવસ પહેલાં માહિતી મેળવી શકો છો. તો ત્યાં સુધી લોકો માહિતી મેળવવા શું કરી શકે? રેલવેની અવ્યવસ્થાને કારણે પ્રવાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે. ખાસ તો વૃદ્ધ લોકોને કેટલી તકલીફ પડે કે પ્રવાસ રદ કરવો પડે તો તેમને કેટલું માનસિક દુ:ખ થશે?’

ટ્રેન ટર્મિનેટ થવાથી ૧૩૯ નંબર પર માહિતી માગતાં પ્રવાસ કરવાના એક દિવસ પહેલાં ફોન કરવાનું જણાવ્યું. રેલવે પ્રવાસીએ ટ્વીટ કરી તો તેને સામે લિન્ક પર તપાસ કરવાનું કહ્યું, પણ એ લિન્ક પર પણ યોગ્ય માહિતી મળી નહોતી.

mumbai mumbai news bandra western railway indian railways preeti khuman-thakur