દાદરથી પકડાયેલા બંગલાદેશીનું નાગપુરની હિંસા સાથે કનેક્શન છે?

30 March, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસને એવી શંકા હોવાથી એ દિશામાં એણે તપાસ શરૂ કરી છે : આરોપી અઝીઝુલ રહમાન નાગપુરમાં ગેરકાયદે રહે છે

ધરપકડ

મુંબઈ પોલીસે દાદરથી દેશમાં ગેરકાયદે રહેતા એક બંગલાદેશીની ધરપકડ કરી છે અને તપાસ કરી રહી છે કે ૧૭ માર્ચે નાગપુરમાં થયેલી હિંસામાં તેનો કોઈ રોલ હતો કે નહીં. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-બેના અધિકારીઓએ ૨૯ વર્ષના અઝીઝુલ નિઝાનુલ રહમાનને પકડીને તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમને એવી શંકા છે કે નાગપુરમાં જે દિવસે હિંસા થઈ ત્યારે તે ત્યાં જ હતો. તે નાગપુરના હસનબાગમાં રહે છે અને થોડા દિવસ પહેલાં જ દાદર આવ્યો હતો. મજૂરી કરતા અઝીઝુલે અમારી સમક્ષ કબૂલ કર્યું છે કે તેણે બનાવટી ડૉક્યુમેન્ટ્સની મદદથી આધાર કાર્ડ મેળવ્યું હતું. અમે તેના મોબાઇલના લોકેશનની તપાસ કરી રહ્યા છીએ. તેની ધરપકડની માહિતી અમે નાગપુર પોલીસને પણ આપી છે.’

૧૭ માર્ચે નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ છત્રપતિ સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબર હટાવવાની માગણી સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એમાં પવિત્ર ચાદર બાળવામાં આવી હોવાની અફવા ફેલાયા બાદ મુસ્લિમોએ શહેરમાં હિંસા શરૂ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે ૧૧૪ લોકોની ધરપકડ કરી છે.

mumbai news mumbai mumbai police Crime News mumbai crime news nagpur