આ #@*&! માણસને તાત્કાલિક પકડો

13 December, 2024 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુર્લામાં ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના હાથમાંથી બંગડીઓ સેરવી લેવામાં આવી

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

કુર્લા-વેસ્ટમાં સોમવારે રાતે BESTની બસે અનેક વાહનોને અને લોકોને અડફેટે લીધાં હોવાની ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા બાદ એમાં નવી-નવી વિગતો બહાર આવી રહી છે. હવે એ અકસ્માત વખતનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં એક મહિલા (ફાતિમા અન્સારી) એક વૅનની નીચે કચડાયેલી, લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે. જોકે તે અકસ્માતમાં મૃત્યુ પામી હતી. એ સમયે ઘાયલ લોકોને મદદ કરવાના બહાને અમુક લોકોએ મોકાનો ફાયદો ઉઠાવ્યો હતો. હેલ્મેટ પહેરેલી એક વ્યક્તિએ તેનો મોબાઇલ લીધા બાદ તેના હાથમાંથી સોનાની બંગડીઓ પણ કાઢી લીધી હતી. જોકે અકસ્માતની ઘટનાને મોબાઇલમાં રેકૉર્ડ કરી રહેલી અન્ય એક વ્યક્તિના મોબાઇલમાં બંગડીની ચોરીની એ ઘટના અનાયાસ જ રેકૉર્ડ થઈ ગઈ હતી.

હવે ફાતિમાના પરિવારે આ સંદર્ભે કુર્લા પોલીસમાં ફરિયાદ કરતાં ચોરીનો ગુનો નોંધીને બંગડી ચોરનાર વ્યક્તિને ઝડપી લેવાના પ્રયાસ શરૂ કર્યા છે. ફાતિમા અન્સારીનો મોબાઇલ અને બૅગ તેના પરિવારજનોને પાછાં મળી ગયાં છે, પણ બંગડી નહોતી મળી.

અહીં તેમની હેરાનગતિ પૂરી નથી થતી. ત્યાર બાદ ઑટોપ્સી સેન્ટરમાં અન્સારી પરિવાર પાસે કપડાં મગાવવામાં આવ્યાં હતાં એટલું જ નહીં, ફાતિમાનો મૃતદેહ ઘરે લઈ જવા માટે ઍમ્બ્યુલન્સવાળાએ પણ ૧૫૦૦ રૂપિયા માગ્યા હતા. તેમનું કહેવું છે કે આ બધા માટે સુધરાઈ કે સરકાર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી.

mumbai news mumbai kurla road accident Crime News mumbai crime branch brihanmumbai electricity supply and transport