30 January, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદીપ જાદવના ૯ વર્ષના દીકરાએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો.
બારામતીની વિમાન-દુર્ઘટનામાં અજિત પવાર સાથે જીવ ગુમાવનાર તેમના પર્સનલ સિક્યૉરિટી ઑફિસર વિદીપ જાધવના અંતિમ સંસ્કાર બુધવારે મધરાત બાદ મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં તેમના વતન સાતારાના ફલટણ પાસેના તરડગાંવ ખાતે કરવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસમાં ૨૦૦૯ના બૅચના કૉન્સ્ટેબલ વિદીપ જાધવ બુધવારે પુણે જિલ્લાના બારામતી ખાતે વિમાન ક્રૅશ થયું ત્યારે અજિત પવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં બે પાઇલટ અને એક ફ્લાઇટ-અટેન્ડન્ટનાં પણ મૃત્યુ થયાં હતાં.
વિદીપ જાધવના પાર્થિવ શરીરને રાત્રે ૮.૩૦ વાગ્યે સાતારાના ફલટણ ખાતે તેમના વતનના ગામ તરડગાંવમાં લાવવામાં આવ્યો હતો. તેમના પરિવારના સભ્યો, સ્થાનિકો, પોલીસ અને સરકારી અધિકારીઓની હાજરીમાં મધરાતે એના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે લોણંદ પોલીસ-સ્ટેશનના કર્મચારીઓએ મૃત કૉન્સ્ટેબલને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું.
મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘મુંબઈ પોલીસના કૉન્સ્ટેબલ વિદીપ જાધવના અકાળ અવસાનથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે ફરજ દરમ્યાન એક દુ:ખદ વિમાન-અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમના નિધન સાથે મુંબઈ પોલીસ દળે એક સમર્પિત અને કર્તવ્યનિષ્ઠ સૈનિક ગુમાવ્યો છે. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું.’
થાણે શહેરના વિટાવાના રહેવાસી વિદીપ જાધવ મુંબઈ પોલીસના સ્પેશ્યલ પ્રોટેક્શન યુનિટમાં તહેનાત હતા. તેઓ બુધવારે સવારે મુંબઈથી અજિત પવાર સાથે બારામતી જવા રવાના થયા હતા.
વિમાન-અકસ્માત પછી તેમના પરિવારના સભ્યો સાથે તેમનાં પત્ની અને બે બાળકો બારામતી દોડી ગયાં હતાં. પરિવારના સભ્યોએ મૃતદેહની ઓળખ કરી હતી અને પોસ્ટમૉર્ટમ પછી મૃતદેહ તેમને સોંપવામાં આવ્યો હતો.