30 January, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પિન્કી માળીના પાર્થિવ શરીર પર તેનો ફોટો મૂકીને આક્રંદ કરતા પરિવારજનોએ તેને વિદાય આપી હતી. પિન્કીના પતિએ તેની અંતિમક્રિયા કરી હતી.
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારનું જે પ્લેન-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું એ અકસ્માતમાં બીજા ૪ જણે પણ જીવ ગુમાવ્યો હતો. એમાં ફ્લાઇટ-અટેન્ડન્ટ પિન્કી માળીનો પણ સમાવેશ થતો હતો. ૩ વર્ષ પહેલાં લગ્ન કરનાર ૨૯ વર્ષની પિન્કી છેલ્લા ૪ મહિનાથી પતિ સાથે થાણેના ખારીગાંવ વિસ્તારમાં રહેતી હતી. તેના પાર્થિવ દેહને બારામતીથી ઍમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો. એ પછી તેને મધ્ય મુંબઈના પ્રભાદેવી ખાતે તેની મમ્મીના ઘરે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે બાળપણથી મોટી થઈ હતી. ત્યાં પાડોશીઓ અને મિત્રોએ તેને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
મીડિયા સાથે વાત કરતાં પિન્કીના પિતા શિવકુમાર માળીએ કહ્યું હતું કે ‘પિન્કી તેના મોટા ભાઈને પાઇલટ બનાવવા માગતી હતી. તે છેલ્લાં પાંચ વર્ષથી ફ્લાઇટ-અટેન્ડન્ટ તરીકે કામ કરી રહી હતી. તેણે ઍર ઇન્ડિયાથી શરૂઆત કરી હતી અને થોડાં વર્ષ પછી પ્રાઇવેટ ચાર્ટર્ડ ફ્લાઇટ્સમાં ગઈ હતી. તેણે રાષ્ટ્રપતિ, મુખ્ય પ્રધાનો અને ઘણા રાજકીય નેતાઓ સાથે ઉડાન ભરી હતી. તે ચોથી વખત અજિત પવાર સાથે ઉડાન ભરી રહી હતી. તેનો પતિ એક ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીમાં મૅનેજરિયલ પોસ્ટ પર કામ કરે છે જે EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યૉરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) પ્રોજેક્ટ્સ, હાઈ-ટેક મૅન્યુફૅક્ચરિંગ અને સેવાઓમાં રોકાયેલી છે.’