16 January, 2026 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
BCOC – JITO જૉબ ફેર 2026: ઘાટકોપરમાં પહેલી વાર યોજાશે મેગા રોજગાર મહોત્સવ
રોજગાર સર્જન અને યુવાનોને સશક્ત બનાવવા માટે ભાનુશાલી ચેમ્બર ઑફ કૉમર્સ (BCOC) દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ (SKBSST)ની પ્રેરણાથી અને જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઑર્ગનાઇઝેશન (JITO Jobs)ના સહયોગથી BCOC – JITO જૉબ ફેર 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા જૉબ ફેર 17 જાન્યુઆરી 2026ના રોજ સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી, ઘાટકોપર (ઈસ્ટ) કચ્છી ભાનુશાલી બૅન્ક્વેટ્સ ખાતે યોજાશે. આ કાર્યક્રમ ખાસ નોંધપાત્ર છે કેમ કે, બે પ્રતિષ્ઠિત સમુદાય આધારિત સંસ્થાઓ પ્રથમ વખત સાથે આવીને મોટા પાયે રોજગાર પ્લેટફૉર્મ તૈયાર કરી રહી છે. આ પહેલનો મુખ્ય હેતુ યુવાનો અને પ્રોફેશનલ્સને યોગ્ય અને ટકાઉ રોજગારની તક પૂરી પાડવાનો છે.
આ જૉબ ફેરમાં 80થી વધુ કૉર્પોરેટ્સ, MSMEs અને નાના ઉદ્યોગો ભાગ લેશે, જેમાં બૅન્કિંગ, NBFC, વેલ્થ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન, કેમિકલ્સ, જ્વેલરી, લોજિસ્ટિક્સ અને રિન્યૂએબલ એનર્જી જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આયોજકોના જણાવ્યા અનુસાર, 1,000થી વધુ ઉમેદવારો—ફ્રેશર્સ તેમજ અનુભવ ધરાવતા પ્રૉફેશનલ્સ—આ જૉબ ફેરમાં ભાગ લેશે.
આજના સમયમાં એક તરફ કંપનીઓને યોગ્ય ટેલેન્ટ મળતું નથી અને બીજી તરફ ઉમેદવારો યોગ્ય નોકરી શોધવામાં સંઘર્ષ કરે છે. BCOC – JITO જૉબ ફેર 2026 આ બંને વચ્ચેનું અંતર ઘટાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ જૉબ ફેર તમામ ભારતીય નાગરિકો માટે ખુલ્લો રહેશે અને તેમાં ઉંમરની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. નોંધણીના આંકડાઓ મુજબ, વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો, અનુભવી પ્રોફેશનલ્સ અને વિશેષ ક્ષમતા ધરાવતા ઉમેદવારો પણ ભાગ લઈ રહ્યા છે. નોકરી ભરતી સિવાય, કાર્યક્રમ દરમિયાન કારકિર્દી માર્ગદર્શન સત્રો, ઉદ્યોગ સંવાદ અને નોલેજ સેમિનારનું પણ આયોજન થશે, જે ઉમેદવારોને ભવિષ્યની કારકિર્દી માટે માર્ગદર્શન આપશે.
ખાસ વાત એ છે કે આ પહેલ માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી. ભાગ લેનારા તમામ ઉમેદવારોના રિઝ્યૂમે એક ડેડિકેટેડ ડિજિટલ જૉબ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે, જેથી કાર્યક્રમ બાદ પણ કંપનીઓ દ્વારા ભરતી પ્રક્રિયા ચાલુ રાખી શકાય. આ પહેલ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે, રોજગાર એ સૌથી સન્માનજનક અને ટકાઉ સમાજસેવા છે. સમુદાય આધારિત સંસ્થાઓ દ્વારા આવી પહેલો દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. BCOC – JITO જૉબ ફેર 2026 આવનારા સમયમાં સમુદાય દ્વારા સંચાલિત રોજગાર પહેલો માટે એક માઇલસ્ટોન ઉદાહરણ બની રહેશે.
• ટૂંકા ગાળાની આર્થિક મદદને બદલે રોજગાર અને આર્થિક સ્વતંત્રતા સર્જવી
• નોકરીદાતાઓ અને નોકરી શોધનારાઓ વચ્ચેનું અંતર ઘટાડવું
• યુવાનોને માર્ગદર્શન, કુશળતા અંગે જાગૃતિ અને કારકિર્દી સ્પષ્ટતા આપવી
• વ્યવસાયિકો અને ઉદ્યોગકારોને રોજગાર સર્જન દ્વારા સમાજને પરત આપવાની પ્રેરણા આપવી
આ પહેલ અંગે આયોજકોનું કહેવું છે કે રોજગાર એ સશક્તિકરણનું સૌથી ટકાઉ માધ્યમ છે અને સમુદાય સંસ્થાઓ વચ્ચે આ સહકાર દેશ નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. BCOC – JITO જૉબ ફેર 2026 એ વાતનો જીવંત દાખલો છે કે કોઈને નોકરી અપાવવી એ સેવા કરવાનો સૌથી ગૌરવપૂર્ણ રસ્તો છે અને આવનારા વર્ષોમાં સમુદાય આધારિત રોજગાર પહેલો માટે આ કાર્યક્રમ એક નવી દિશા અને માપદંડ સ્થાપિત કરશે.
વધુ માહિતી માટે વૉટ્સએપ નંબર 7770018384 પર સંપર્ક કરી શકો છો. આ સિવાય jobs@bcoc.in પર ઇમેલ કરી શકો છો, રજિસ્ટ્રેશન માટે https://forms.gle/Fs2RWFUi6dbSJnJA7 આ લિન્કનો ઉપયોગ કરી શકાશે.