બી અલર્ટ, હોટેલમાં મિનરલ વૉટર જ આપો એવો કોઈ ઑર્ડર નથી

26 September, 2021 11:29 AM IST  |  Mumbai | Rohit Parikh

અમુક જગ્યાએ ઘરાકોને પરાણે મિનરલ વૉટર આપવામાં આવી રહ્યું છે અને બિલમાં એના ચાર્જ ઉપરાંત પાંચ ટકા જીએસટી પણ લગાવવામાં આવે છે એટલે મિડ-ડેએ બીએમસીને પૂછ્યું કે આ‍વો કોઈ આદેશ છે ખરો. જવાબ છે ના.

પ્રતિકાત્મક તસવીર

કોરાના મહામારી પછી મહિનાઓ બાદ મુંબઈમાં હોટલો ખૂલી. એની સાથે જ મુંબઈની અનેક હોટેલોએ ઉપરથી આદેશ છે એમ કહીને ‌મિનરલ વૉટર આપવાની શરૂઆત કરી છે. કોરાના પહેલાં કસ્ટમરોની ડિમાન્ડ ઉપર જ હોટેલોમાં મિનરલ વૉટર આપવામાં આવતું હતું જેના માટે તેઓ પૈસા ચાર્જ કરતા હતા. જોકે મુંબઈમાં હોટેલો અનલૉક થયા પછી કસ્ટમરોને પરાણે મિનરલ વૉટર આપવામાં આવી રહ્યું છે જેના માટે તેમણે અનિચ્છાએ પણ એના પૈસા ચૂકવવા પડે છે. 
મિનરલ વૉટરના ખરાબ અનુભવની માહિતી આપતાં ઘાટકોપર (વેસ્ટ)ની એક હોટેલમાં ફ્રેન્ડ સાથે ચા-કૉફી પીવા ગયેલી એક મહિલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હોટેલમાં અમારું ચા-કૉફીનું બિલ ૭૦ રૂપિયા હતું, પરંતુ એની સાથે એક લિટરની પાણીની બૉટલના પૈસા લગાડીને ૯૫ રૂપિયા + પાંચ ટકા જીએસટી લગાડીને બિલ આપવામાં આવ્યું હતું. પાણીની બૉટલના ૨૦ રૂપિયાને બદલે ૨૫ રૂપિયા લેવામાં આવ્યા હતા. એના પર પાછો જીએસટી પણ લગાડવામાં આવ્યો હતો. પાણીના પૈસાના મુદ્દે  આ હોટેલના મૅનેજરે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે મહાનગરપાલિકાએ ફરજિયાત અમને મિનરલ વૉટર આપવા કહ્યું છે. એટલે અમે સાદું પાણી હવે આપતા જ નથી. અમે ફક્ત મિનરલ વૉટર જ આપીએ છીએ.’ 
આવો જ અનુભવ ‘મિડ-ડે’ને બોરીવલી (વેસ્ટ)માં આવેલી એક હોટેલમાં શુક્રવારે થયો હતો. આ હોટેલમાં કોઈ પણ પ્રકારની ડિમાન્ડ વગર જમવા સાથે મિનરલ વૉટર આપવામાં આવ્યું હતું. છ મિનરલ વૉટરની નાની બૉટલના બિલમાં ૩૦ રૂપિયા + જીએસટી લગાડવામાં આવ્યો હતો. ‘મિડ-ડે’એ જ્યારે પાણીના બિલ બાબતે પૂછ્યું ત્યારે હોટેલના મૅનેજરે કહ્યું હતું કે મહાનગરપાલિકાનો મિનરલ વૉટર આપવાનો આદેશ છે. ‘મિડ-ડે’એ તરત જ મહાનગરપાલિકાનું નોટિફિકેશન બતાવવાની માગણી કરી હતી, જેની સામે હોટેલના મૅનેજરે ૭૩૦ના બિલમાંથી પાણીનો ચાર્જ ૩૦ રૂપિયા ડિસ્કાઉન્ટ કરીને પૈસા લીધા હતા. 
મુંબઈની એક હજારથી વધુ હોટેલો જેની સાથે સંકળાયેલી છે એ આહારના પ્રેસિડન્ટ શિવાનંદ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકા દ્વારા આવો કોઈ જ આદેશ અમને આપવામાં આવ્યો નથી. કોઈ હોટેલો મિનરલ વૉટર કસ્ટમરોની ડિમાન્ડ વગર આપતી હોય અને એના પૈસા ચાર્જ કરતી હોય તો તે ખોટું થઈ રહ્યું છે.’ 
મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ પણ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મહાનગરપાલિકાએ હોટેલોને મિનરલ વૉટર આપવાનો આદેશ આપ્યો જ નથી. 

mumbai mumbai news brihanmumbai municipal corporation ghatkopar borivali